________________
૧૭૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
(૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ
ન
તે દુર્લભબોધિતાને લીધે ન ગૃહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. (૭) દુઃસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.
એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે પણ લોક કે ઓઘદૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક્દશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી; તોપણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
દુઃસમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, તેમને ધર્મતત્ત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્ચા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે,
કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ; તેમ જ આપણા ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગનો બોધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે એનો પણ અપેક્ષાથી જોતાં દોષ નથી.
જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાનવૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે.
શિક્ષાની સાપેક્ષ સ્ફુરણા જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો (ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો,) સમજાવી દઈ ગુરૂઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે.
તેમ જ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને અણુવ્રત પણ હોય છે; પણ આ તો તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે.
સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવાં દુર્લભ