________________
૨૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
“આહાર, વિહાર અને નિારનો નિયમિત' એ વાક્યનો સંક્ષેપાર્થ આમ છે -
જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિર્બાધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો,
ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું.
આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો, એમ વિનંતી છે.
૧૧૯
ઉપાધિગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય.
મુંબઈ, અષાડ વદ ૭, ભોમ, ૧૯૪૬
નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે; નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે; તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ.... કરીએ છીએ. બન્ને પત્ર મળ્યાં. સંતોષ થયો. આચારાંગ સૂત્રનો પાઠ અવલોક્યો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ
લખીશ.
ધર્મેચ્છક ત્રિભોવનદાસનાં પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર માહાત્મ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો.
܀܀܀܀
૧૨૦
વિશ્વ રાયચંદ
મુંબઈ, અષાડ વદ ૦)), ૧૯૪૬
આપનું ‘યોગવાસિષ્ઠ’નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું.
આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહારપરત્વે કેટલીક ઉપાધિ રહે છે, એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી; તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાંક કારણોથી અશક્ય સમજું છું; અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી; તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા; બીજું શું ?
વ્યવહારપરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્નું પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જૂજ) વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો; તથાપિ પૂર્વાપરે પણ અશકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે),
'યોગવાસિષ્ઠ' પરત્વે આપને કંઈ જણાવવા ઇચ્છું છું (પ્રસંગ મળ્યું),
જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે.
܀܀܀܀܀