________________
૨૧૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊડ્યો હતો; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખંદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે । જો તેમ ન થઈ શક્યું હોત તો તેના (આ પત્રલેખકના) જીવનનો અંત આવત.
જે વિવેકને મહાખંદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.
કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવર્તી એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.
૧૧૪
મોરબી, અષાડ સુદ ૪, ગુરુ, ૧૯૪૬
મોરબીનો નિવાસ વ્યવહારનયે પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સત્ફળદાયક થાઓ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજો, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણીને વિસ્તૃત નથી કરતા એ એક આનંદકથા છે.
ધર્મ ઇચ્છક ભાઈશ્રી.
૧૧૫
મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬
તમારા બન્ને પત્તાં મલ્યાં. વાંચી સંતોષ પામ્યો.
ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય ત્યાં મૌનપણે - ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે.
ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકો ખુલાસો નીચે આપ્યો છે.
सुह जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी.
શુભ યોગની અપેક્ષાએ અનારંભી, અશુભયોગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, તદુભયારંભી (આત્મારંભી અને પરારંભી)
અહીં શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ, એમ મારી દૃષ્ટિ છે. પારિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે.
અહીં યોગનો અર્થ મન, વચન અને કાયા છે.
શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે.
તમે મારા મેળાપને ઇચ્છો છો; પણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે. એટલે તમને મેળાપમાં પણ શ્રેયસ્કર નીવડે એવી થોડી જ આશા છે.
યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે.
મોહાધીન એવો મારો આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરાયો છે તે તમે જાણો છો, એટલે અધિક શું લખું ?