________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨ મું
૧૭૯
લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી.
છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે-
એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું.
લિ માત્ર
રવજી આત્મજ રાયચંદના પ્રણામ - નીરાગ શ્રેણી સમુચ્ચયે,
જિજ્ઞાસ.
܀܀܀܀܀
૪૮
વાણિયા, મા, ૧૯૪૫
આપના પ્રશ્નનો ઉત્તર, મારી યોગ્યતા પ્રમાણે, આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્નઃ- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે ?
ઉત્તર:- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે.
૧. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ,
૨. જેને ધર્મ સંબંધી બોધ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ.
(સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.)
૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.
૪. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે.
૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે.
૬. ન ચાલતાં ઉપવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએઃ-
૧ કોઈથી મહા વિશ્વાસઘાત
૨ મિત્રથી વિશ્વાસઘાત