________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૩ મું
૧૨૭
એની થી અવશ્ય હતી ? એક તો જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો ? એ જગત્કર્તા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારો વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું, સુક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનાર કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ।
܀܀܀܀
શિક્ષાપાઠ ૯૮. તત્ત્વાવબોધ-ભાગ ૧૭
જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાકનેંસે ઉત્પન્ન હુઆ હૈ,' એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરો. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતો છે; એનું જ્ઞાન, એનો બોધ, એનું રહસ્ય અને એનું સીલ કેવું છે તે એક વાર કહો ! આપના વેદવિચારો કઈ બાબતમાં જૈનથી ચઢે છે ? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સત્પુરુષોનાં વચનામૃત અને યોગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત મોહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી !
હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો; ગમે તો પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિકશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો પણ તત્ત્વને વિચારો.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૯૯. સમાજની અગત્ય
આંગ્લભૌમિઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે ? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું ? તો ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ એમનાં ઉદાહરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્યો શોધવાનો હું અહીં બોધ કરતો નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી