________________
૧૨૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
શિક્ષાપાઠ ૬. તત્ત્વાવબોધ-ભાગ ૧૫
ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જગ્યો નથી; તોપણ થોડું થોડું કહેતો આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાક્ય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠોકીને કહેવાયું હતું તે ખરું હતું.
જગત ગાડરિયો પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે, વિશુદ્ધાત્મા કોઈક જ થાય છે, વિવેકથી તત્ત્વને કોઈક જ શોધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જૈનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી ? એ આશંકા કરવારૂપ નથી.
છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્ત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પોતે તો જાણ્યું નહીં, પોતાના આત્માનું હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે ? દિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. વળી એના તત્ત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. જે લોકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે; પોતાનું મિથ્યા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જૈન નસ્તિક છે. લોકો તો બિચારા ગભરુ ગાડર છે; એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે ? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતો વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુઢિઓ વખતે પક્ષપાતમાં લઈ જાય.
શિક્ષાપાઠ ૯૭. તત્ત્વાવબોધ-ભાગ ૧૬
પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ્ર ચોંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે ? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે ? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે, જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું ? રચીને મોત શા માટે મૂક્યું ? એ લીલા બતાવવી કોને હતી ? રચ્યું તો કયા કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી ? ઇશ્વર કોણ ? જગતના પદાર્થ કોણ ? અને ઇચ્છા કોણ ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય થી હતી ? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ ! હશે ! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ ક્યાંથી સૂઝ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી ? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની