________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ સ મું
૩૫
૧૬૯
વવાણિયા, શ્રાવણ વદ ૦)), ૧૯૪૪
ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણીનો કંઈ વખત મળતો હશે.
ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે, થોડો વખત લેખનક્રિયા રોકે છે, થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રોકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે.
39
વંદામિ પાદે પ્રભુ વર્ધમાન
મુંબઈ, ભાદ્રપદ વદ ૧, શનિ, ૧૯૪૪
પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે.
39
મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪
પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર
પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી,
રાજનગર.
તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા- પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્ત્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં, જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીઁદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છો, જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે