________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૯૯
અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સુક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સતૃચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૫૭. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે
એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી; પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સતૃશાંતિ નથી. કારણ કે ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાંછૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન, ત્યાં જામ્યું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તો પછી અધર્મસ્થાનક કયું ? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે, તે પરમાત્મતત્ત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અર્હતના કહેલાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હોય તો બધાં સાહિત્યો કંઈ કરી શકતાં નથી; માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અર્હત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.
શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ-ભાગ ૧
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે: કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે, કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે; કેટલાક ક્રિયાને કહે છે; કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે.