________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૧૯
લોકાલોકના સર્વ ભાવનો એમાં સમાવેશ આવી જાય છે. નિથપ્રવચનનો જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મમતોના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અર્થત ભગવાનનો પવિત્ર બોધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.
સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે; એથી આ નિઃશંક માનવા યોગ્ય છે કે નવ તત્ત્વ જેણે અનંત ભાવ ભેદ જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયો.
એ નવ તત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. હેય, જ્ઞેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે.
પ્રશ્ન- જે ત્યાગવારૃપ છે તેને જાણીને કરવું શું ? જે ગામ ન જવું તેનો માર્ગ શા માટે પુછવો ?
ઉત્તરઃ- એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જો તે જાણી ન હોય તો અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય, એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેનો રસ્તો પણ પૂછવો પડે છે, નહીં તો જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછ્યાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક તત્ત્વો જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામનો ત્યાગ કર્યો તેમ તેનો પણ ત્યાગ કરવો અવશ્યનો છે.
શિક્ષાપાઠ ૮૪. તત્ત્વાવબોધ-ભાગ ૩
નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં.
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે, વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપૂજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે ‘સો શાણે એક મત’ તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી.
એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિત્યઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે; પરિણામે ભવાંત થઈ જશે.