________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૯૭
રહે તેમ નથી. આપણે ક્યાં તત્ત્વનો વિચાર કરીએ છીએ ? ક્યાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ ? ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ રાખીએ છીએ ? ક્યાં દાઝવડે ધર્મતત્ત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે; પણ તત્ત્વને કોઈક જ જાણે છે; જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે; જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તોળનારા કોઈક વિરલા જ છે. પરંપર આમ્નાયથી કેવળ, મનઃપર્યવ અને પરમાવધિજ્ઞાન વિચ્છેદ ગયાં; દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતો ઉત્તર ન મળે તોપણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે.
ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે, કેવા વિચારથી શોધી કાઢ્યું હશે ? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવો. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૫૪. અશુચિ કોને કહેવી ?
જિજ્ઞાસુ મને જૈનમુનિઓના આચારની વાત બહુ રુચી છે. એઓના જેવો કોઈ દર્શનના સંતોમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવો તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્જીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારો ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તો મને યથાર્થ બેસતી નથી.
સત્ય- શા માટે બેસતી નથી ?
જિજ્ઞાસુ" કારણ એથી અશુચિ વધે છે.
સત્ય- કઈ અશુચિ વધે છે ?
જિજ્ઞાસ- શરીર મલિન રહે છે એ.
સત્ય- ભાઈ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય ? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્ત્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે.
જિજ્ઞાસુ- પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે ?