________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૯૫
શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તો વિવેક એટલે શું ? તે અમને કહો.
ગુરુ- આયુષ્યમનો ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક.
લઘુ શિષ્યો- સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય ?
ગુરુ- તમે જે વાત કહો છો તેનું એક દૃષ્ટાંત આપો જોઈએ,
લઘુ શિષ્યો- અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ.
ગુરૂ- આયુષ્યમનો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ?
લઘુ શિષ્યો- ભગવન્ ! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી.
ગુરુ- ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખો અનંતી વાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે; કડવા વિપાકને આપે છે; તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણ્યો; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી ?
લઘુ શિષ્યો- અહો ! વિવેક એ જ ધર્મનું મુળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું.
શિક્ષાપાઠ પર. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ?
સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે.
જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મ ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈંદ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યો પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે; એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશુંયે ભોગવવું પડતું નથી.