________________
૮૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દૃષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મોકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું, સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તોપણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું, 'બહેન, હું પુરુષત્વમાં નથી ! તોપણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળ્યો નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો.
એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું, આવા રમ્ય પુત્રો કોના છે ? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ, તેને કારી ઘા વાગ્યો. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું, તમે માનતા હશો કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી; પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે ! તો પછી બીજાં સ્થળ માટે પૂછવું પણ શું ? તમારા નગરના સુદર્શન શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવાં પડ્યાં; પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કયું કહેવાય ! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે ? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું, માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી.
ગમે તેમ હો પણ ૧‘સૃષ્ટિના’ દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊઠ્યું. સત્યશીળનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દૃઢતા એ બન્ને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે !
܀܀܀܀
શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા)
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન-
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ, ૨
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ જીતતાં ઋતિયે, દળ, પુર ને અધિકાર, ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪
દ્વિ૦ આ૦ પાઠા૦-૧. ‘જગતના’.
Audio