________________
૮૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રતિક્રમણ કર્યું હોય તો કંઈ ખોટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માત્ અમુક કારણ કે કાળધર્મ
થઈ પડે તો દિવસ સંબંધી પણ રહી જાય.
પ્રતિક્રમણસૂત્રની યોજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે, જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૪૧. ભિખારીનો ખેદ-ભાગ ૧
એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લડથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો; આવીને એક ઝાડ તળે બેઠો; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂનો થયેલો પોતાનો જળનો ઘડો મૂકયો. એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું, ઓશીકે પછી એક પથ્થર મુકીને તે સુત્તો, ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મીંચાઈ ગઈ, નિદ્રાવશ થયો એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યો છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં છે; દેશ આખામાં પોતાના વિજયનો ડંકો વાગી ગયો છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો ખમા ખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાનો મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વપ્નામાં તેનો આત્મા ચઢી ગયો. તે સ્વપ્નાના ભોગ લેતાં તેનાં રોમ ઉલ્લસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા; સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; સર્વત્ર અંધકાર પથરાઈ ગયો; મુશલધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકો થયો. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયો.
܀܀܀
શિક્ષાપાઠ ૪૨. ભિખારીનો ખેદ-ભાગ ૨
જુએ છે તો જે સ્થળે પાણીનો ખોખરો ઘડો પડ્યો હતો તે સ્થળે તે ઘડો પડ્યો છે; જ્યાં ફાટીતૂટી ગોદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પોતે જેવાં મલિન અને ગોખજાળીવાળાં કપડાં ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારો; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા; નથી તે સુખ વિલાસ કે નથી તે મદોન્મત્તતા; ભાઈ તો પોતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સ્વપ્નામાં મેં મિથ્યા આડંબર દીઠો. તેથી આનંદ માન્યો; એમાંનું તો અહીં કશુંયે નથી. સ્વપ્નાના ભોગ ભોગવ્યા નહીં; અને તેનું પરિણામ જે ખેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયો.
અહો ભવ્યો ! ભિખારીના સ્વપ્ના જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નામાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ