________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૫૯
તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઇચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું,
તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહ્યા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહી..
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અર્હત્ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
શિક્ષાપાઠ ૨. સર્વમાન્ય ધર્મ (ચોપાઈ)
ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન;
અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ;
દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ, પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય,
સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ:
સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ !
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ;
ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ.
તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે;
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
܀܀܀
શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર
Audio
હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે.
એક જીવ સુંદર પતંગે પુષ્પશય્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ રંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇંદ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકેને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી.