________________
૭૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યે, વગર જોયે ઉપયોગ. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યાપ્રમા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે. અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો, એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી, એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે.
પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.
શિક્ષાપાઠ ૨૮. રાત્રિભોજન
અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે, જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રસોઈને માટે અગ્નિ સળગાવવી પડે છે; ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઇંધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે.
રાત્રિભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તો છે જ.
શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે; તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે; એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે.
સત્પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે.
܀܀
શિક્ષાપાઠ ૨૯. સર્વ જીવની રક્ષા-ભાગ ૧ ૧
દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમતો પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્યદેહની રક્ષા કરો, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે, જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર