________________
ર
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. હે મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી ઘેરાઈ; આખે શરીરે અગ્નિ બળવા મંડ્યો; શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે દારુણ વૈદનાથી હું અત્યંત શોકમાં હતો. સંખ્યાબંધ વૈદ્યશાસ્ત્રનિપુણ વૈદ્યરાજ હું મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક ઔષધ ઉપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહા નિપુણ ગણાતા વૈદ્યરાજો મને તે દરદી મુક્ત કરી શક્યા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું; પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાń થઈ; પરંતુ તે પણ મને તે દરદી મુકાવી શકી નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું, એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હૈ મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અળગી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભોગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યો. એક વાર જો આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખેતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હૈ મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત, સ્વજન બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું.
શિક્ષાપાઠ ૭. અનાથી મુનિ-ભાગ ૩
હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. તું જે શંકા પામ્યો હતો તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવર્તી પર્યંત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે; આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે; આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણો આત્મા જ કર્મનો કરનાર છે, આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુ:ખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે."
એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપ્યો. શ્રેણિક રાજા બહુ સંતોષ પામ્યો. બે હાથની અંજલિ કરીને તે એમ બોલ્યો કે, “હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો;