________________
૫૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા
આ એક સ્યાદ્વાદત્તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તો પાંચ સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે ? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હ્રદય કોમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈનતત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં યો છે. તે યોજના ‘બાલાવબોધ’ રૂપ છે. ‘વિવેચન’ અને પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે. આ એમાંનો એક કકડો છે; છતાં સામાન્ય તત્ત્વરૂપ છે.
સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવ તત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે; તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું.
જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા, જે જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું.
આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દૃષ્ટિથી નહી જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે । મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે.
મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાફ્સ કર્યુ છે; હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે.
શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણ
વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ કરશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશો.
તમે જાણતા હશો કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે. તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે.
તમે જે પુસ્તકો ભણ્યા છો, અને હજુ ભણો છો, તે પુસ્તકો માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે.
તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.