________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૪૩
જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સસ્ર વીંછીની ડંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યુ. પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાફજ્વરનાં હિતેષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહશ્ર્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહશ્ર્વરની અસહ્ય વેદના તો હતી અને બીજા આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો ? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો; એટલે થતો ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું: “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?” રાણીઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી. તેથી ખળભળાટ થતો નથી." રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું: “ખરે ! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે ? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો 1 આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું ?તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ." એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્યો; દાહજ્વરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો !
(શાર્દૂલવિક્રીડિત)
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી,
બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ;
સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો. એકત્વ સાચું કર્યુ.
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
વિશેષાર્થ:- રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ્યો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું.
એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર ‘ભાવનાબોધ’ ગ્રંથે તૃતીય ચિત્ર પૂર્ણતા પામ્યું.