________________
૪૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ચતુર્થ ચિત્ર
અન્યત્વભાવના
(શાર્દૂલવિક્રીડિત)
'
ના મારાં તને રૂપ ક્રાંતિ યુવતી, ના પુત્ર કે ભાત ના,
ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના:
ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના;
રે ! રે ! જાવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
વિશેષાર્થઃ- આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી. આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર !
મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએઃ-
દૃષ્ટાંતઃ- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવર્યોવના મુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્રગમે વિરાજી રહી હતી; જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં પટ્સ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં; જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખી થયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું. પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણી પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો