________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૫૧
તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે ? ખરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.
પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સૂકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખડ્ગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત ર્દષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે.
હૈ પુત્ર ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને મુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.”
માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા –
“વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે, હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૂંવાકૂવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અત્યગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે તે વેળુ જેવી વજ્રમય વેળું કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે.
આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશે કરીને બાંધી આઘો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, શબલનામા પરમાધામીએ