________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઘટાદાર વૃક્ષની નીચે અશ્વને ઊભો રાખ્યો. પોતે નીચે ઊતર્યો. અશ્વને થપથપાવ્યો. વૃક્ષના થડે અશ્વને બાંધ્યો અને પોતે મશકમાંથી થોડું પાણી પીધું. પગ લાંબા કરીને, વૃક્ષના થડે અઢેલીને, કુમારે અડધો કલાક આરામ કર્યો.
મધ્યાહ્ને બાર વાગ્યે કુમાર પેલા ખંડિયેર પાસે પહોંચી ગયો.
એ જગ્યા ખરેખર અજનબી જગ્યા હતી. એ ટેકરા ઉપર દક્ષિણ-પશ્ચિમ બાજુએ તોતિંગ બાંકડા જેવો પા માઈલ લાંબો અને લગભગ સો મીટર પહોળો એક ખડક આવેલો હતો. એ ખડકની પશ્ચિમ ધારે એક નાનકડા ગઢ જેવી ચોકી ઊભી હતી. એ ચોકીના નીચાણમાં પાણીનો કુંડ હતો. એના પાણીમાંથી ગંધકની વાસ આવતી હતી. ત્યાંથી થોડે દૂર નારિયેળીનાં વૃક્ષો હતાં.
ચિરંતન શાંતિસભર એ જગ્યા બપોરે પણ આહ્લાદક લાગતી હતી. કુમારે અશ્વને છાંયડે ઊભો રાખ્યો. તેના ઉપરનો બંધ છોડી નાખ્યો. અશ્વે પાછી હણહણાટી કરી, પછી કુમારે એને છૂટો મૂક્યો. તેણે કુંડ પાસે જઈને પાણી પીધું અને પછી કુંડની આસપાસ ઊગેલા ઘાસને ખાવા માંડ્યું.
કુમારે મોં ધોયું. હાથ-પગ ધોયા. ઘોડા પરથી ખલેચી ઉતારી, તે ચોકીના ખંડેરમાં ગયો. ત્યાં શાન્તિથી બેસીને, નાસ્તો કર્યો. તે પછી કુમારે એક ખૂણો સાફ કર્યો. ધાબળો પાથર્યો અને લાંબી તાણી! એકસરખી ૨૫ માઈલની ઘોડેસવારી કરવાથી એની કેડો અને પગ દુઃખતાં હતાં... છતાં ત્યાંના એકાંતમાં, કોઈ પણ ખલેલ વિના એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ.
જ્યારે કુમાર જાગ્યો ત્યારે અશ્વ જોરજોરથી હેષા૨વ કરતો હતો. પવન ખૂબ જોરથી વાતો હતો. કુમાર પાણીના કુંડ પાસે ગયો. તેણે અશ્વને છોડ્યો અને ચોકીના ખંડેર પાસે લઈ આવ્યો, ત્યાં એને રમતો મૂક્યો.
આકાશમાંથી જાંબલી ઢોળ ઊતર્યો હતો. ધોમ ધખેલી ધરા પર સૂરજનાં ઓસરતાં તીરછાં કિરણો હજુ તપેલાં તીરની જેમ ખડક પર અથડાતાં હતાં. ખંડેરના દ્વાર પાસે લાંબા પગ કરીને કુમાર બેઠો. ભયાનક રીતે ઝોલાં ખાતાં ખજૂરીનાં વૃક્ષો એ જોઈ રહ્યો. સાથે સાથે એના મનમાં સાધુ-સાધ્વી બની ગયેલાં માતા-પિતાની સ્મૃતિ થઈ આવી. શા માટે તેમણે મહેલનાં ભૌતિક સુખોનો ત્યાગ કર્યો? શા માટે તેમણે કઠોર સંયમજીવન અંગીકાર કર્યું? શું સંયમજીવનમાં એમના આત્માને તૃપ્તિ મળશે? શું મહેલોના જીવનથી... દીર્ઘ જીવનથી તેઓ કંટાળી ગયાં હશે? જેમ હું! મહેલથી કંટાળીને ખંડેરમાં બેઠો છું ને? ભીડથી કંટાળીને અહીં એકાતમાં આવ્યો છું ને?
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૦૨૯