________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર આશિષ આપે છે, “જ્યાં સુધી લોકમાં અક્ષયતેજયુક્ત ધ્રુવ તારે હોય, ત્યાં સુધી તારું કલ્યાણદાયક અચલ સૌભાગ્ય રહો. જ્યાં સુધી આ પૃથ્વીમંડલ છે, ત્યાં સુધી તું પુત્રપૌત્રના પરિવારવાળી સુખી રહે.”
તે પછી ગુણાવલી તેને ઉત્તમ આસન ઉપર બેસાડીને બે હાથ જોડી તેની સન્મુખ બેઠી.
તેના અપરિમિત ગુણ વડે ખુશ થયેલી વીરમતી બોલીઃ “હે વધૂ! તારું નામ યથાર્થ છે. તે બંનેય કુળને ઉજાળ્યાં છે, તું વિનયગુણ વડે શ્રેષ્ઠ છે; આથી તારા મુખકમળમાંથી મધુર વચન નીકળે છે. તેમાં શું આશ્ચર્ય ? ચંદ્રમંડળમાંથી અમૃત ઝરે છે, કમળમાંથી સુગંધ ફેલાય છે. ઈક્ષુખંડમાંથી મધુરસ નીકળે છે, તે કાંઈ આશ્ચર્ય નથી. તું કોડ દિવાળી જે. તું મને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય છો. તને જે મનગમતું હોય તે મારી પાસે માગવું. તારે કઈ ચિંતા ન કરવી. જે મારો પુત્ર ચંદ્ર તને કાંઈ દુભવે તે મને જણાવવું, જેથી હું તેને શિખામણ આપીશ. તમે દંપતી મારા નેત્ર સમાન છે. જે સાસુ વહુ ઉપર નેહવાળી હોય તે શું કહેવું ? હું તને પુત્રી સમાન માનું છું. તું શુદ્ધ હૃદયવાળી છે. મને તારામાં વિશ્વાસ છે. તું ક્યારેય મારા વચનનું ઉલ્લંઘન નહીં કરે એમ હું સંશય વિના જાણું છું. જે તું મારા વચન મુજબ ચાલીશ તો મારી પાસે વિદ્યા–પ્રમુખ જે કાંઈ છે તે સર્વ તારે સ્વાધીન જ છે એમ જાણવું.