Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિનય ન હોય તો ન ગૃહસ્થ - જીવન શોભે, ન સાધુ-જીવન ! એક પણ અવિનીત આવી જાય તો આપણા ગૃપની શું હાલત થાય ? તેનો આપણને અનુભવ છે. આ બધું જોઈને આપણે નિર્ણય કરી લેવો જોઇએ : મારે તો કોઈનો અવિનય નથી જ કરવો. બીજો અવિનય કરે તે ભલે આપણે ન અટકાવી શકીએ, પણ આપણો અવિનય તો આપણે અટકાવી શકીએને ?
ગૃહસ્થો પુરુષાર્થથી ધનની વૃદ્ધિ કરે તો આપણે વિનયથી વિદ્યા આદિ ગુણોની વૃદ્ધિ નહિ કરવાની ?
વિનીતની બધા જ પ્રશંસા કરે, અવિનીતની પ્રશંસા કોઈએ કરી હોય તેવું જાણ્યું છે ? આટલું જાણવા છતાં અવિનય કેમ ટળતો નથી ? વિનય કેમ જીવનમાં આવતો નથી ?
जाणंता वि विणयं केइ कम्माणुभावदोसेणं । निच्छंति पउंजित्ता, अभिभूया रागदोसेहिं ।।१६।।
કેટલાક વિનયને જાણતા હોવા છતાં જીવનમાં ઊતારી શકતા નથી. કર્મસત્તા એટલી પ્રબળ હોય છે કે જીવનમાં ઊતારવાનું મન પણ થતું નથી.
* અવિનય, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કરીને કોઈ કાર્યમાં સફળતા મેળવીએ ને એ દોષોને વખાણીએ તો સમજી લેજો : આ દોષો કદી જવાના નથી. જન્માંતરમાં પણ સાથે ચાલશે.
ભગવાન પાસે ગુણો એકઠા થઈને રહેલા છે. કારણ કે ભગવાને તેનો આદર કર્યો છે.
* રાગ-દ્વેષ મિથ્યાત્વના કારણે વધે છે. મિથ્યાત્વના નાશથી ધીરે-ધીરે રાગ-દ્વેષ ઘટતા રહે છે. કારણ કે મિથ્યાત્વથી સમજણ મળે છે : આ રાગ-દ્વેષ જ મારા ભયંકર શત્રુઓ છે, બીજો કોઈ નહિ.
શત્રુની એકવાર જાણકારી મળી જાય પછી એની સાથે તમે કદી દોસ્તી ન કરી શકો. . * બુદ્ધિહીન માષતુષ મુનિને કેવળજ્ઞાન મળી ગયું. મહાબુદ્ધિ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩