Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવું સાધુ-જીવન મહાપુણ્યોદયે જ મળે એવી પ્રતીતિ આજે પણ થાય છે ને ? કે હવે મહાપુણ્યોદય નથી લાગતો ? જે વસ્તુ દૈનિક બની જાય તેની કિંમત નથી લાગતી, માટે પૂછું છું.
ગુરુ મહારાજે જે આપણો હાથ ન પકડ્યો હોત તો આપણી હાલત શી હોત ?
દુઃખમય સંસારમાં આપણે ક્યાંય રઝળતા હોત.
વિષય-કષાયનો ઊકળાટ તો સંસારમાં છે જ. પણ બાહ્ય દુઃખો પણ ઓછા નથી.
અહીં રોજ દુઃખી માણસોની લાઈન લાગે છે. કોઇના બાળકો ગાંડા હોય છે. કોઈનો છોકરો ભાગી ગયો હોય છે. કોઈની પત્ની ઝગડાખોર હોય છે. કોઈનો પતિ મારપીટ કરતો હોય છે.
આવા દુઃખમય સંસારથી આપણે ઊગરી ગયા તેમાં ગુરુ મહારાજનો પ્રત્યક્ષ ઉપકાર દેખાય છે ? પ્રત્યક્ષ ગુરુ મહારાજનો ઉપકાર ન સ્વીકારે તે ભગવાનનો પરોક્ષ ઉપકાર શી રીતે સ્વીકારી શકશે ?
મીઠાના પ્રત્યેક કણમાં ખારાશ છે, તેમ સંસારની પ્રત્યેક ઘટનામાં દુઃખ છે.
સાકરના પ્રત્યેક કણમાં મીઠાશ છે તેમ મુક્તિની પ્રત્યેક સાધનામાં સુખ છે. મુક્તિમાં તો સુખ છે જ, પણ મુક્તિની સાધનામાં પણ સુખ છે, એ સમજાય છે ? આપણી તકલીફ આ છે :
મોક્ષમાં સુખ લાગે છે, પણ મોક્ષની સાધના સ્વયં સુખરૂપ છે, એ નથી સમજાતું. સાધનામાં જે સુખ દેખાય તો કદી તેમાં પાછા પડવાનું ન થાય.
આવા દુઃખમય સંસારના સાગરથી બહાર કાઢીને ગુરુદેવે દીક્ષાના જહાજમાં બેસાડી દીધા, તે યાદ આવે છે ?
આ તો દ્રવ્ય દીક્ષા થઈ-એમ કહીને વાત કાઢી નહિ મૂકતા. દ્રવ્ય દીક્ષામાં પણ એ તાકાત છે, જે ભાવદીક્ષાનું કારણ બની શકે.
. ગયા વર્ષે પંચવસ્તકમાં વાત આવેલી. એમાં હરિભદ્રસૂરિજી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૩