Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* દોઢેક વર્ષનું નાનું બાળક અચાનક ખાડામાં પડી ગયું. ત્યાં રહેલા સાપને દોરડું સમજીને એ પકડવા ગયું, ત્યાં જ માની નજર પડી. દોડતી-દોડતી આવતી માતાએ આ જોતાં જ બાળકને એકદમ ખેંચી લીધું. બિચારા બાળકને ઊઝરડા પડ્યા, રડવા લાગ્યું. અહીં માએ સારું કર્યું કે ખરાબ ? બાળકને મનગમતી વસ્તુ ન લેવા દીધી તે સારું કર્યું કે ખરાબ ?
ગુરુ પણ મા છે. ઘણી વખત ગમતી ચીજ ન કરવા દે, ઉઝરડા પડે તેવા વચનો સંભળાવે, તે વખતે પણ ગુરુ હિત માટે જ આમ કરે છે, એમ વિચારજે. ગુરુમાં જે “માતા”નું દર્શન કરશે તે તરી જશે.
ક્યારેક ગુસ્સો કરતા, ક્યારેક કડવો ઠપકો આપતા, ક્યારેક કઠોર બનતા ગુરુમાં જો તમે માતાના દર્શન કરશો તો તેમના હૃદયમાં રહેલી અપાર કરુણા દેખાશે.
એ જોવા તમારી પાસે બાળકનું હૃદય જોઈએ અને ભક્તની આંખ જોઈએ.
* નવકાર મંત્રના પ્રભાવથી પેલા મુસલમાને પાણી કાઢી આપ્યું. વાણિયાએ એ ગુપ્ત વિદ્યા આપવા આગ્રહ કર્યો ત્યારે પેલાએ સદ્દગુરુએ આપેલો નવકાર મંત્ર સંભળાવ્યો. “આ તો અમને આવડે છે. આ કાંઈ વિદ્યા છે ? આ તો નવકાર છે.” વાણિયાએ જવાબ આપ્યો.
આપણી હાલત પણ આ વાણિયા જેવી છે. જાણીએ છીએ ઘણું, પણ હૃદયની શ્રદ્ધા નથી, આમાં શું? આ તો આવડે છે. એમ કહીને કાઢી નાખીએ છીએ.
સતેલાને જગાડી શકાય, પણ જાગેલાને કઇ રીતે જગાડાય ? અજ્ઞાનીને જણાવી શકાય, પણ જાણકારને કેમ જણાવી શકાય ? જાણકારની સભામાં વ્યાખ્યાન આપવું આ દૃષ્ટિએ ઘણું કઠણ છે.
* આપણો અંતરંગ પરિવાર આપણી પાસે હોવા છતાં આપણે તેની સાથે સંબંધ જોડી શકતા નથી. કારણકે ભગવાન સાથે સંબંધ જોડ્યો નથી.
૪૯૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ