Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એટલે બીજ નષ્ટ થઈ ગયું એમ નહિ માનતા, બીજ સ્વયં વૃક્ષ બની ગયું. એમ અહીં વિનય સ્વયં કેવળજ્ઞાનાદિ રૂપે પરિવર્તિત બની ગયો. મન-વચન-કાયાથી તો આપણે સંસારી વિનય કરીએ, પણ તેઓ તો આત્માથી સૌનો વિનય કરે.
અમે આચાર્યો, તમે વંદન કરો તો પણ તમને અમારા જેવા ન ગણીએ, પણ સિદ્ધો તો કોઈ નમે કે ન નમે, સૌને પોતાના રૂપે જુએ છે. સર્વ જીવોને પૂર્ણરૂપે જુએ છે. આ વિનય નથી ?
મહાવીર સ્વામીનો વિનય વધુ કે ગૌતમ સ્વામીનો વધુ ?
મહાવીર સ્વામીએ જગતના સર્વ જીવોનો વિનય કર્યો છે. આથી જ તેઓ ભગવાન બની શક્યા છે.
ગૌતમ સ્વામીને તો હજુ વિનયનું ફળ મળવાનું બાકી છે, જ્યારે મહાવીર દેવને વિનયનું ફળ મળી ગયું છે.
* આચારાંગના લોકસાર અધ્યયનમાં લોકનો સાર ચારિત્ર બતાવેલો છે. કારણ કે તેમાં દર્શન અને જ્ઞાન બને આવી ગયેલા છે. એ જ સાચું ચારિત્ર કહેવાય. પરંતુ એ ચારિત્રનો સાર પણ વિનય છે. આથી જ વિનયહીન મુનિની પ્રશંસા કોઈ મહર્ષિએ કદી કરી નથી.
* વિનય ઓછો તેટલા પ્રમાણમાં શ્રદ્ધા અને સંવેગ ઓછા સમજવા. શ્રદ્ધા સંવેગની વૃદ્ધિ વિનયની વૃદ્ધિ સાથે જોડાયેલી છે. મંદ શ્રદ્ધાવાળો ચારિત્રની આરાધના શી રીતે કરી શકે ?
વિનયની વૃદ્ધિથી ગુણની વૃદ્ધિ. અવિનયની વૃદ્ધિથી દોષોની વૃદ્ધિ થશે.
ગુરુના વિનયથી તેમનામાં રહેલા ગુણોનો વિનય થાય છે. ગુણોનો વિનય થતાં જ એ ગુણો આપણામાં આવવા માંડે છે.
જીવાત્મા અને પરમાત્મા રાગાદિ વિજેતા પરમાત્મા રાગાદિથી વિજિત જીવાત્મા.
૦૮ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ