Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કર્યો છે તેવા મુનિને સંયમ અને મરણ બન્નેમાં સમાધિ મળે. પછી તેનું મરણ પણ મહોત્સવ રૂપ બની જાય.
દીક્ષા લેતી વખતે મહોત્સવ કેમ કર્યો ? અમારા ઘરમાંથી બધું છોડીને ત્યાગના માર્ગે જાય છે માટે. તો મરણ વખતે તો માયામમતા-ઉપકરણ-પરિવાર અને શરીરનો પણ ત્યાગ કરવાનો છે. તો પછી શા માટે તેને મહોત્સવ રૂપ ન બનાવીએ ?
મુનિ પોતે જ પોતાના મૃત્યુને મહોત્સવ બનાવે.
* પાંચ ઈન્દ્રિયોની અનુકૂળતામાં જેને રસ છે તેને જ્યારે ઘોર પરિષહ આવે છે ત્યારે વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. આત્માને મુંઝવણ થાય છે. કારણ કે કાયાને કસી નથી. જીવનમાં તેનો અભ્યાસ કર્યા વગર તે ચીજ આત્મસાત્ થતી નથી. બીજું બધું ભૂલાઈ જાય, અહીં જ રહી જાય પણ વાસિત થયેલા સંસ્કારો જોડે આવશે. માટે જ તે સંસ્કારોને દૃઢ બનાવવા જોઈએ.
શરીરને કસવાનો જેને અભ્યાસ છે તે એનાથી એવો બલવાન થઈ જાય કે મોહરાજાના સુભટો આવે તો પણ તે ડરે નહીં.
* આપણને જે ગુણો ખૂટતા હોય તે ગુણની અનુમોદના કરવાથી તે ગુણ મળી જાય. જેનામાં જે ગુણ દેખાય તેના પર બહુમાન જાગે તો તે ગુણ આપણામાં આવવા લાગે.
અત્યાર સુધી આપણામાં દોષો કેમ ભરાઈ ગયા ? તે કેમ જતા નથી ? તેને અંતરનો આવકાર આપ્યો, તેની પ્રશંસા કરી માટે.
પહેલા ગુણ નથી આવતા, ગુણની પ્રશંસા આવે છે. પહેલા ધર્મ નથી આવતો, ધર્મની પ્રશંસા આવે છે. ખેતરમાં પાક પહેલા નથી આવતો, પહેલા બી વાવવા પડે છે. યોગ ધર્મ તે સાધનાનું અંતિમ ફળ છે. પણ જેની યોગ સાધના જોઈ આપણે આનંદ પામીએ તે તેનું બીજ છે.
‘જ્ઞાનીના બહુમાનથી રે જ્ઞાનતણું બહુમાન.’
જેમ જેમ ગોખીએ તેમ તેમ જ્ઞાન વધે એ તો સાંભળ્યું, પણ આ ગુણો ક્યાંથી આવ્યા ? જેમ જેમ તમે પંચ પરમેષ્ઠીની, ગુણીની સેવા કરો આદર બહુમાન કરો તેમ તેમ ગુણો આવશે.
૨૬૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ
-