Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આચાર્યપદ પછી વંદન કરતા; હું ના પાડતો છતાંય.
મંદકષાયતા, ભદ્રિકતા, સરળતા વગેરે તેમના ઊડીને આંખે વળગે તેવા ગુણો હતા.
દુનિયાની દૃષ્ટિએ ચતુર બને તે પોતાના જ આત્માને ઠગે છે. ઉપા. પ્રીતિવિજયજી આવા ન્હોતા. કહેવાતી પાકાઈ, ગૂઢતા એ બધા આપણા જ શત્રુ છે.
ભોળા માણસને ભલે કોઈ ઠગી જાય, પણ એથી એમનું કશું બગડે નહિ. આખરે તો ઠગનારનું જ બગડે.
ચંદનને કોઈ ઘસી નાખે, છોલી નાખે કે બાળી નાખે પણ તે સુવાસ કે શીતળતા કદી ન છોડે, તેમ સજ્જન પોતાની સુંદર પ્રકૃતિ, બીજાને સાતા આપવાનો સ્વભાવ કદી ન છોડે.
સ્વ. ઉપાધ્યાયજીમાં વેયાવચ્ચનો મોટામાં મોટો ગુણ હતો. જીવનમાં કેટલાને એમણે સમાધિ આપી ?
ગુરુ મહારાજની આજ્ઞાથી પં. મુક્તિવિજયજીની સેવામાં વર્ષો સુધી રહ્યા. પછી રત્નાકરવિજયજી, દેવવિજયજી વગેરેની પણ સેવા કરી.
સેવા કરનારની સેવા થાય જ. એમને કોઈને કોઈ સેવા કરનાર મળી જ રહે. ભલે એમને કોઈ શિષ્ય ન્હોતા, પણ એની એમને કોઈ ચિન્તા ન્હોતી.
એમના આવા જેટલા ગુણોને યાદ કરીએ તેટલા ઓછા છે. અમે ૭-૮ વર્ષ સુધી તો દક્ષિણમાં હતા.આટલા વર્ષો સુધી અહીં રહેલા મુનિઓએ તેમની જે સેવા કરી છે, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.
જો કોઈ સેવાનું કામ ન સ્વીકારે તો ગચ્છની વ્યવસ્થા સુચારુરૂપે શી રીતે થઈ શકે ?
સેવા તો અપ્રતિપાતી ગુણ છે. સેવા નહિ કરીએ તો આપણી સેવા કોણ કરશે ? આપણે કદી વૃદ્ધ નહિ બનીએ ? રોગી નહિ બનીએ ?
૩૫૨ હૈ કહ્યું, કલાપૂર્ણસૂરિએ