Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મોહરાજ નિદ્રાદેવીને આવા સ્થાનોમાં જ મોકલે. મોહરાજાને ખબર છે : આ સભા એટલે મને ખતમ કરવાની છાવણી ! એ છાવણી પર હુમલો કરવો જ રહ્યો. નિદ્રાદેવીને મોકલીને એ હુમલો કરે છે.
મોહરાજાની આ ચાલ સમજી લેજો. આપણે કેટલા વિચિત્ર છીએ ?
આગળની જગ્યાએ બેસવા પડાપડી કરીએ છીએ, પણ ત્યાં બેઠા પછી ઊંઘ આવી જાય તેની પરવા કરતા નથી.
આગળ બેસીએ છીએ તે સાંભળવા માટે બેસીએ છીએ કે અહંકારને પોષવા બેસીએ છીએ ? હૃદયને પૂછી લેજો.
જાણવા બેસીએ છીએ કે જણાવવા ? જણાવવા બેસીએ છીએ કે જીવવા ? હૃદયને પૂછી લેજો.
આમ પ્રશ્નોત્તરી કરવાથી જે સાચો જવાબ આવશે તે આપણું શુદ્ધ પ્રણિધાન હશે.
* આપણે સાધુ-સાધ્વીજી કેટલી ઊંચી કક્ષાએ છીએ? આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ કષાયો કરતા રહીએ, ઝગડા કરતા રહીએ, એ કેવું ? ઝગડા કરતા હો તો ત્યારે વિચારો : હું મારી જાતને તો દુર્લભબોધિ બનાવું જ છું, પણ બીજાને પણ દુર્લભબોધિ બનાવું છું.
કારણ કે આ જોઈને કેટલાય સાધુ-સાધ્વીની નિંદા કરશે : છી.... જૈન સાધુઓ આવા ઝઘડાખોર ?
જિનશાસનની અપભ્રાજના જેવું બીજું કોઈ પાપ નથી.
તમને પ્રશ્ન થશે : પેલો જેમ તેમ બોલ્યા કરતો હોય તો ક્યાં સુધી સહન કરવું ? પછી તો ગુસ્સો આવે જ ને ?
હું કહું છું : સામેવાળાનો ગમે તેવો સ્વભાવ હોય, પણ આપણે શા માટે તેનો સ્વભાવ બનાવવો ? એ સ્વભાવ ન છોડે તો આપણે શા માટે છોડવો ? ચંદનને કાપો, બાળો કે ઘસો એ સ્વભાવ ન છોડે. આપણે આવા બનવાનું છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૫