Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શરત એટલી કે તેમાં આદર અને સાતત્ય જોઈએ. આદર અને સાતત્યપૂર્વક જે ગુણનું તમે સેવન કરો છો, તે ગુણ ભવાંતરમાં પણ સાથે ચાલશે.
* જન્મ થયા પછી મરણ ન થયું હોય તેવું એક પણ ઉદાહરણ હોય તો મને બતાવો.
ટૂંકમાં, મૃત્યુ નિશ્ચિત છે. આજે કે કાલે મરવાનું જ છે. પણ કેવી રીતે મરવું છે? તે લાખ રૂપિયાનો સવાલ છે. જન્મનો એક જ પ્રકાર છે, પણ મૃત્યુના હજારો પ્રકાર છે, કયા પ્રકારે મૃત્યુ આવશે તે નિશ્ચિત નથી, પણ મૃત્યુ આવશે તે તો નિશ્ચિત જ છે.
આપણે તો હવે એટલું જ વિચારવાનું છે : મારું મૃત્યુ સમાધિપૂર્વકનું કઈ રીતે બને ?
એ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ.
જેનું જીવન આરાધનામય હશે તેને જ મૃત્યુમાં સમાધિ મળશે. ગમે તેવું જીવન જીવીને મૃત્યુમાં સમાધિ રાખીને સદ્ગતિમાં ચાલ્યા જઈશું, એવા ભ્રમમાં નહિ રહેતા.
અહીં રહેલી સાધના અધૂરી રહેશે તો પણ ચિંતા નહિ કરતા, ભવાંતરમાં એ સાધના ફરી શરૂ થશે.
તમે જુઓ છો ને ?
કેટલાક થોડોક પ્રયત્ન કરે છે ને ગાથા કંઠસ્થ કરી લે છે. બીજા લાખ માથું પટકે તો પણ કરી શકતા નથી. શું કારણ ?
કેટલાક સ્વભાવથી જ શાંત હોય છે. કેટલાક સ્વભાવથી જ ગુસ્સાબાજ હોય છે. શું કારણ ?
આજનું વિજ્ઞાન કદાચ જીનેટીક થીઅરીમાં જવાબ શોધવા પ્રયત્ન કરશે પણ ફરી પ્રશ્ન તો ઊભો જ રહેશે : આવા જ જીન્સ શા માટે મળ્યા ?
પૂર્વ જન્મના કર્મ માનવા જ પડશે. પૂર્વ જન્મની આરાધના - વિરાધનાના કારણે આવો તફાવત દેખાય છે. * બોલો, અહીં કેટલા ઊંધે છે ? ઊંઘ અહીં જ આવે.
૩૯૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ