Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શાની ?
* કષાયોનો જરા જેટલો પણ વિશ્વાસ કરવા જેવો નથી. આપણે તો શું અનંત ૧૪ પૂર્વીઓ, જેઓ ક્યારેક ૧૧મા ગુણઠાણે રહેલા હોય, તેઓ પણ કષાયો પર ભરોસો ન કરી શકે. અનંતા ૧૪ પૂર્વીઓ આજે પણ નિગોદમાં છે, તે આ જ કારણે. તેઓ ગફલતમાં રહી ગયા અને ઝડપાઈ ગયા. થોડા અસાવધ બનો એટલે મોહરાજા તમને ઝબ્બે કરવા તૈયાર જ છે.
આગ લાગી હોય ત્યારે તમે શું કરો ? બંબાવાળાની વાટ જોતાં બેસો કે હાથવગું જે પાણી વગેરે મળે તેનાથી આગ બુઝાવવા પ્રયત્ન કરો ?
કષાયો પણ આગ જ છે. ઉપમિતિકારે તો ક્રોધનું નામ જ વૈશ્વાનર આપ્યું છે. વૈશ્વાનર એટલે અગ્નિ ! અગ્નિનો જરાય ભરોસો ન કરાય તો ક્રોધાદિ કષાયનો ભરોસો શી રીતે કરાય ? બહારની આગ તો લાખો-કરોડોની દ્રવ્ય સંપત્તિ જ સળગાવે, પણ આ કષાયો તો આત્માની અનંત ગુણ સંપત્તિને બાળીને ખાખ કરી નાખે. ક્રોધાગ્નિને બુઝાવવા સમતારૂપી પાણી જોઈએ.
* વિનયથી વિદ્યા મળે.
વિદ્યાથી વિવેક મળે.
વિનયપૂર્વક મેળવાયેલી વિદ્યા વિવેક મેળવી જ આપે. વિવેક એટલે સ્વ-૫૨નું પૃથક્કરણ કરવાની શક્તિ. ‘સ્વ' કોણ ? ‘પર’ કોણ ? એ વિવેક શક્તિથી જણાય છે. આ સમજાવવા જ ઉપા. યશોવિજયજીએ જ્ઞાનસારનું ૧૪મું અષ્ટક ખાસ વિવેક પર જ બનાવ્યું છે.
વિવેક જ તમને ક્રોધાગ્નિથી દૂર રાખે છે. એ શીખવે છે : અગ્નિની ઉપેક્ષા કરો તો બીજાનું જ ઘર બળશે, એમ નહિ, તમારું પણ બળશે. ક્રોધની ઉપેક્ષા કરશો તો તમને જ નહિ, બીજાને પણ નુકશાન થશે જ.
વિવેકથી વૈરાગ્ય પ્રગટે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨ ૩૫૯