Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈશાખ વદ-૧ર ૩૦-૫-૨૦00, મંગળવાર
* ધર્મ ન આવે ત્યાં સુધી અનાદિ કાળથી વળગેલા કર્મનો અંત ન આવે. કર્મ અશુભ મન-વચન-કાયાથી બંધાયા છે, તેને તોડવા શુભ મન-વચન-કાયા જોઈશે. યોગ શુભ બને એટલે ધ્યાન શુભ બને. ધ્યાનનો મૂળાધાર યોગ [મન-વચન-કાયા] છે. જેવી આપણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ તેવું જ ધ્યાન સમજવું. મનવચન-કાયાની પ્રવૃત્તિ શુભ તો શુભ ધ્યાન. મન-વચન-કાયાની પ્રવૃત્તિ અશુભ તો અશુભ ધ્યાન.
માટે જ આપણા યોગો અશુભ બને, એવી કોઈપણ પ્રવૃત્તિ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે.
આપણા મોક્ષમાર્ગનો સંપૂર્ણ આધાર આ યોગો પર છે. આ યોગો જ આપણા કમાઉ પુત્રો છે. કમાઉ પુત્રો જ ખોટનો ધંધો કરે તો બાપને કેવું લાગે ? આપણે યોગોને જ અશુભમાં જવા દઈએ તો કેવું લાગે ?
* છ જીવ નિકાયની પીડા એ આપણી જ પીડા છે, એવું નહિ સમજાય ત્યાં સુધી સાચા અર્થમાં આપણા યોગો હિંસાથી નહિ અટકે, અશુભ કાર્યોથી નહિ અટકે. - “મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત.”
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૨૫