Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અને દીન છું તો પણ તારો છું. તારા ગુણના સાગરમાં મીન છું - એમ પ્રભુને પ્રાર્થીને શરણાગતિને મજબૂત બનાવો.
રાધાવેધ સાધવા વર્ષો સુધી સાધના કરવી પડે, સતત અભ્યાસ કરતા રહીને સાવધાન રહેવું પડે. અર્જુન જ એક માત્ર રાધાવેધ કરી શક્યો તેનું કારણ તેનો પૂર્વ અભ્યાસ હતો. અહીં પણ મૃત્યુ વખતે સમતાનો પૂર્વ અભ્યાસ હોય તો જ સમાધિ રહી શકે.
••• અને ભૂત પકડાઈ ગયું !
હઠીસિંહ પટેલ સવારના પહોરમાં પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા હતા. પોતાના લાંબા પડછાયાને ભૂત સમજી તેને પકડવા દોડવા લાગ્યા. પણ આ “ભૂત” તો આગળ ને આગળ ! પકડાય જ નહિ ! “આ ભૂત જબરૂં” પટેલ બબડી ઊઠ્યો.
દૂરથી આ દશ્ય જોઈ રહેલા, પટેલની મૂર્ખતા પર હસી રહેલા સહજાનંદ સ્વામી (સ્વામિનારાયણ પંથના પ્રવર્તક) એ કહ્યું : પટેલ ! ઈ “ભૂત” એમ તમારા હાથમાં નહિ આવે. તમે એમ કરો. પૂર્વ દિશા તરફ ચાલવા માંડો. પછી જુઓ કે ઈ “ભૂત” તમારો દાસ બનીને તમારી પાછળ-પાછળ ફરે છે કે નહિ ?
તેમ કરતાં “ભૂત” પાછળ ચાલવા લાગ્યું. પટેલ રાજીરેડ થઈ ગયા !
ખરી વાત છે. જે માણસ તૃષ્ણાને પીઠ આપીને ચાલે છે, તેની પાછળ-પાછળ પડછાયાની જેમ લક્ષ્મી ચાલતી આવે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૦