Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* હંમેશ જંગલમાં રહેનારો ભીલ જેમ નગરનું વર્ણન ન કરી શકે, તેમ જ્ઞાનીઓ જાણવા છતાં સિદ્ધોના સુખનું વર્ણન કરી શકે નહિ.
* સિદ્ધોનું વિશેષ વર્ણન જાણવા “સિદ્ધ પ્રાભૃત' ગ્રંથ વાંચજો. એમાં ૧૪ માર્ગણાઓ દ્વારા સિદ્ધોનું વર્ણન કરેલું છે. મલયગિરિ મહારાજે પોતાની ટીકામાં “સિદ્ધ પ્રાભૃત' ગ્રન્થનું ઉદ્ધરણ કરેલું છે. એના પર અમે કંઈક લખ્યું છે, પણ આ કાળમાં આવું વાંચનારો વર્ગ વિરલ છે. એટલે પ્રગટ કરવાનું મુલતવી રાખ્યું છે.
પૂ. દેવચન્દ્રજી મહારાજે પણ સિદ્ધાંતોના દાખલા આપવા પૂર્વક ઘણા સ્તવનોમાં સિદ્ધોનું વર્ણન કર્યું છે. પૂ. દેવચન્દ્રજી આગમના અભ્યાસી હતા, સાથે પ્રભુના ભક્ત પણ હતા.
* સંસાર એટલે ઉપાધિ ! દિવસ ઉગે ને કોઈ ને કોઈ ચિંતા ! ઉપાધિ ! ટેન્શન વગેરે ઊભા જ હોય. [ હું પણ સાથે છું.] આવી બધી ઉપાધિથી રહિત એક માત્ર સિદ્ધો છે.
મોટા તરીકે આપણું નામ જેટલું જાહેર થાય તેમ તેમ ઉપાધિ વધે. પદ-નામ વગેરે ઉપાધિના કારણો છે. ઉપાધિ વધે તેવા પદનામ પાછળ જીંદગી પૂરી કરી નાખીએ, તે મોટી કરુણતા છે.
* સંગ્રહ નયથી સર્વ જીવો, ઋજુ સૂત્ર નયથી સિદ્ધના ઉપયોગમાં રહેલા જીવો, શબ્દનયથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો, સમભિરૂઢથી કેવળજ્ઞાની જીવો, એવંભૂતથી સિદ્ધશિલામાં ગયેલા જીવો સિદ્ધ છે.
શબ્દનય આપણને સિદ્ધ કહે તેવું જીવન તો આપણું હોવું જ જોઇએ.
* કોઈ રાજા-મહારાજા કહે : “તમે મારા જેવા જ છો. બેસી જવ મારી સાથે સિંહાસનમાં !” તો આપણને કેટલો આનંદ થાય ! ભગવાન આપણને એમ જ કહે છે : “તમે મારા જેવા જ છો. આવી જાવ મારી સાથે.”
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩૧