Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રભુ-ભક્તોએ પ્રભુનું આ સ્વરૂપ છુપાવ્યું નથી. બીજા પણ આ પ્રભુની સંપદા પામે, પ્રભુના રાગી બને, માટે પોતાની કૃતિઓમાં આ બધું ઠાલલી દીધું છે.
જ્યાં સુધી આપણે ગુણ-પૂર્ણ ન બનીએ ત્યાં સુધી પ્રભુને છોડવા નથી. આટલો સંકલ્પ કરી લો.
હું પોતે વિચારું : મારામાં સમતાની કેટલી ખામી છે ? જ્યારે મન વિષમતાથી ભરાઈ જાય. સમતા ચાલી જાય ત્યારે હું પ્રભુને યાદ કરું છું. મારામાં સમતા જો આવી તકલાદી હોય તો હું પ્રભુને શી રીતે છોડી શકું ?
પ્રભુનું નામ લેતાં જ ભક્તને પ્રભુનું સ્મરણ થઈ આવે, ઉપકારોની હેલી યાદ આવે. હૃદય ગદ્ગદ્ બની જાય. ભક્ત નિર્ભય છે ઃ મને શાની ચિંતા ? પ્રભુ જો મારા હૃદયમાં છે તો મોહરાજાની શી તાકાત કે અંદર ઘુસી શકે ?
:
‘તુજ મિલ્યે સ્થિરતા લહું' પ્રભુ ! આપ મળો છો ને મારું ચિત્ત સ્થિર બને છે.
બાળકની જેમ ભક્ત ભગવાનમાં માતાનું રૂપ જુએ છે : પ્રભુ આપ જાવ છો ને હું મા વગરના બાળક જેવો નિરાધાર બની જાઉં છું !
પ્રભુ આપ નજીક છો તો જગતની બધી જ ઋદ્ધિ નજીક છે. આપ જાવ છો તો બધું જ જતું રહે છે.
પ્રભુ ! તમને ભલે અનેક ભક્તો હોય. પણ મારે તો તું એક જ છે. હા, આપને સમય ન હોય તો બીજાનું સરનામું આપો : જે મને આપના જેવી શાન્તિ આપી શકે. પણ આપના જેવું બીજું છે જ કોણ ? ભક્ત હૃદયની આવી શબ્દ વગરની પ્રાર્થના હૃદયમાંથી સતત વહેતી રહે છે.
* સમ્યક્ત્વ અને ચારિત્ર - બન્નેમાંથી એક જ પસંદ કરવાનું કોઈ કહે તો તમે શું પસંદ કરો ?
ચારિત્રને પસંદ કરજો. કારણ કે ચારિત્રમાં સમક્તિ આવી જ જાય. સમક્તિ વગરનું ‘ચારિત્ર' ચારિત્ર જ ન કહેવાય.
૨૧૬ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ