Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાંચ મહાવ્રતો-અણુવ્રતો વગેરે અંગે વિસ્તારથી જણાવ્યું છે. આચારશુદ્ધિ, વિચારશુદ્ધિનો પાયો છે. આચારશુદ્ધિ થાય તો જ આત્મશુદ્ધિ થાય. આત્મશુદ્ધિ થતાં પ્રભુ-દર્શનની ઝંખના જાગે. ઝંખના જેમ જેમ તીવ્ર બને તેમ તેમ આત્મશુદ્ધિ વધુ ને વધુ થતી જાય.
શ્રી આનંદઘનજીએ કહ્યું છે :
અભિનંદન જિન દરિસણ તલસીએ...”
જેને પ્યાસ લાગી હોય તે માણસ પાણીની શોધમાં શું શું ન કરે ? વિહારમાં પાણીની તરસ કેવી લાગે છે ? તેવી ભગવાનના દર્શનની તરસ લાગી છે ? ભગવાનના દર્શનની તરસ તે જ સમ્યગદર્શન છે.
સંસારના સુખો વિષ લાગે. આજ સમ્યગદર્શન છે.
વિષયો વિષ કરતાં ભયંકર લાગે તોજ આપણે સાચા અર્થમાં સમ્યકત્વી કહેવાઈએ. વિષય-વિરક્તિ એ જ ભવનિર્વેદ. પણ આ નિર્વેદ શાથી થાય ? પ્રભુની કૃપાથી થાય.
"होउ ममं तुह प्पभावओ भयवं भव-निव्वेओ." ચારિત્રને વિશુદ્ધ કરવું હોય તો પ્રભુને આગળ રાખો. ભગવાનનો અનાદર નહીં જ કરીએ. આટલું નક્કી કરી જ દો. ભગવાનનો અનાદર ન થાય તેવું જીવન જીવવું એ જ સંયમનો સાર છે. ભગવાનની આજ્ઞાનો અનાદર એટલે ભગવાનનો અનાદર.
ભગવાનનું નામ, ભગવાનના ગુણો સાંભળતાં હર્ષ થાય તે આદરનું ચિન્હ છે.
ચતુર્વિધ સંઘના કોઈપણ સભ્યનો અનાદર તે ભગવાનનો અનાદર છે. ભગવાનનો અનાદર તે સર્વ જીવરાશિનો અનાદર છે.
જેવી રક્ષા તમે તમારી કરો છો તેવી સકલ જીવરાશિની રક્ષા કરવાની. એ જ સામાયિક છે. સાધુને પણ આવો અભેદભાવ જીવરાશિ સાથે હોય તો પ્રભુને તો કેવો અભેદભાવ જીવરાશિ સાથે હશે ? કોઈપણ એક જીવને દુઃખ આપીએ એટલે પ્રભુને દુઃખ આપ્યું કહેવાય. પ્રજાના કોઈપણ સભ્યનું અપમાન તે રાજાનું અપમાન
૨૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ