Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તે જોઈ લો. નિર્મલતાને રોકનાર, મલિનતાને લાવનાર આ કષાયો છે, જેને આપણે છોડતા નથી. ગુરુ મહારાજને, ગુરુભાઈઓને, ગુરુ બહેનોને છોડી દઈએ છીએ. પણ આ કષાયોને આપણે છોડતા નથી. ઉપકારી કોણ લાગે છે ? આ કષાયો કે ગુરુ મહારાજ ?
જમાલિએ પોતાના જ ગુરુ ભગવાન મહાવીરને અહંના કારણે છોડી દીધા. ગૌતમસ્વામીને તેમના ૫૦,૦૦૦ શિષ્યો ને, પોતાના ૭૦૦ શિષ્યોને કેવળજ્ઞાન થઈ ગયું, પણ જમાલિ જે નિકટનો સગો હતો પણ માનના કારણે રહી ગયો. માનમાં લોભ પણ ખરો ને ? લોભ માત્ર ધનનો નથી હોતો, મોટાઈ વગેરેનો પણ લોભ હોય છે.
આપણે આવી ભૂલો કેટલી કરી ? કેટલીવાર પાછા પડ્યા ? કષાયો કારમા છે જે ભલભલાને પછાડે. ચડેલાને પણ પછાડે. કષાય ઓછા થાય તો સમતા પ્રગટે. આત્મશુદ્ધિ થાય.
આત્માની શુદ્ધિ કરનાર સમતા જેટલી વધારે તેટલું પ્રભુનું દર્શન જી. અનંતાનુબંધી કષાયનો નિગ્રહ કરી, મનનો જય કરી પ્રાપ્ત કરેલા સમ્યગ્રદર્શનની જેટલી શુદ્ધિ તેટલા પ્રમાણમાં પ્રભુદર્શન થાય.
મા કામ કરતી હોય પણ હાલરડું ગાય – હીંચકો હલાવે, ને બાળકને ખબર પડે કે મા મારી પાસે જ છે. તેમ ચિત્તમાં નિર્મલતા આવે એટલે ખબર પડે કે પ્રભુ પાસે જ છે. જે બાળક માતા વગર રહી ન શકે તેને આવો અનુભવ થાય. આપણે બધા “મોટા” થઈ ગયા માટે માએ ચિંતા મૂકી દીધી. આપણે વિશ્વાસ આપ્યો માને કે અમારી સંભાળ નહીં રાખો તો ચાલશે. માટે જવાબદારીથી મુક્ત બનાવ્યા પણ આપણી સ્થિતિ એવી છે ? જવાબદારી વહન કરી શકીએ એવા છીએ ?
ગુરુની ક્યાં સુધી સેવા કરવી ? જ્યાં સુધી શિષ્ય પોતે ક્ષાયિકભાવનો પ્રકાશ ન પામે ત્યાં સુધી. પછી તો છોડે ને ? નહિ. ૧૫00 તાપસ કેવળી થઈ ગયા પછી કહી ન દે કે અમે જઈએ છીએ. શાસનની મર્યાદા જુઓ ! કેવળી બનેલા શિષ્યો પણ છદ્મસ્થ
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૦