Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચારિત્રમાં સ્થિરતા ગુરુની કૃપાથી આવે છે. આગમમાં લખ્યું છે કે તમે જો આત્મકલ્યાણ ઇચ્છતા હો તો કોઈ દિવસ પણ ગુરુકુળને છોડતા નહિ. ધન્ય છે જે જીવનભર ગુરુકુળમાં રહી ગુરુના વચનને પાળે છે. જે ગુરુ મળ્યા હોય, તેમના વચનને પાળીએ તો અવશ્ય કલ્યાણ થાય.
પહેલા ગુરુ મળ્યા હશે પણ તેમનું વચન પાળ્યું નથી. માટે જ કલ્યાણ નથી થયું. ભોમિયો રસ્તો બતાવે ને ઠેઠ મુકામ સુધી પહોંચાડે તેમ ભવાટવીમાં ભટકતા જીવને ગુરુ મુક્તિ સુધી પહોંચાડે છે. પણ ગુરુનું માનવું પડે. ભોમિયો કહે આમ ચાલવાનું ને તમે તે વખતે કહો કે હું તો આમ જ ચાલું તો શું થાય ? રખડવું પડે ને ? પહોંચતા મોડું થાય ને ? ભોમિયો સમજવે : મહારાજ સાહેબ ! આ રસ્તે જવા જેવું નથી. કાંટા આવશે પણ આપણે ના પાડીએ. તેમ ગુરુ કહે તેમ કરીએ છીએ ખરા ?
ધન્ય છે તે, જે ગુરુના દિલમાં શિષ્ય વસી જાય. એટલા વિનયાદિ ગુણો કેળવ્યા હોય જેને ગુરુ પણ યાદ કરે છે તે ભાગ્યશાળી ક્યાં ગયો ?
* આ પન્નામાં આખો પાયો એવો મજબૂત બતાવ્યો કે, આપણી જ્ઞાન-દર્શન-ચારિત્ર તરફ ગતિ થાય. શેરડીના કયા ભાગમાં મીઠાશ નથી ? ગોળના ક્યા કણોમાં મીઠાશ નથી? આ જિનવચનનો કયો ભાગ મધુર અને ગુણકારી નથી ? જેના એક એક વાક્યમાં મીઠાશ હોય એમ જાણ્યા પછી એનો સ્વાધ્યાય કર્યા વગર રહો ?
મીઠાશમાં સાકરની તોલે કોઈ નથી તેમ આખાય વિશ્વમાં જિનવચન જેવું મીઠું કોઈ નથી. મોડા કે વહેલા અટવી પાર કરવી હોય તો ભોમિયાના કહ્યા પ્રમાણે જ ચાલવું પડે. તેમ આ સંસાર અટવી પાર કરવા જિનવચન માનવું જ પડે. “મરજી પ્રમાણે જ કરું” આ મોહપાતંત્ર્ય છે. એનો નિગ્રહ થાય તો જ ગુરુ પારતંત્ર્ય
આવે.
આગમના અભ્યાસી બનેલા પણ ગુરુની નિશ્રામાં ન રહ્યા તેવા કેટલાય આત્માઓ ફેંકાઈ ગયા છે. ચૌદપૂર્વી પણ અનંત સંસારી
૨૨૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ