Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* શરીર તો આત્માનું ઘર છે. ઘરમાં રહેનાર આત્મા છે. એ આત્મા અંગેની કોઈ રુચિ જાગી ? એ માટેની રુચિ અધ્યાત્મસાધનાનું પહેલું ડગલું છે. આ રુચિને જ આપણે સમ્યગ્દર્શન કહીએ
છીએ.
જડની રુચિ ઘટ્યા વિના આત્મરુચિ જાગતી નથી. પ્રભુ સ્વયં આપણને સચ્ચિદાનંદમય રૂપે જુએ છે. જો આપણું સ્વરૂપ સચ્ચિદાનંદમય રૂપે હોય જ નહિ તો શી રીતે જુએ ?
સંસારી જીવો તો વિષય-કષાયથી, કર્મોથી, ક્લેશો અને સંક્લેશોથી ભરેલા છે. એવા જીવોને સચ્ચિદાનંદરૂપ જોવા ભ્રમણા નથી ? નહિ, પૂ.ઉપા. યશોવિજયજી મ. કહે છે : ગમે તેવા સંસારી જીવો દેખાતા હોય તો પણ સત્તાએ સર્વ જીવો સિદ્ધ સ્વરૂપી જ છે.
પણ પોતાને સિદ્ધ સ્વરૂપી જાણીને અભિમાની થઈ જવાની જરૂર નથી : હું તો સિદ્ધ સ્વરૂપી છું.
નિશ્વનય કહે છે : તમે સિદ્ધ સ્વરૂપી છો.
વ્યવહારનય કહે છે ઃ તમે સંસારી છો.
નિરાશા આવી જાય ત્યારે નિશ્ચયનય યાદ કરવો. અભિમાન આવી જાય ત્યારે વ્યવહારનય યાદ કરવો.
* મનુષ્ય જન્મ કર્મબંધન માટે નથી વખાણ્યો. મનુષ્ય સાતમી નરકે પણ જાય, પણ તે કારણે એ પ્રશંસનીય નથી. મનુષ્ય કર્મક્ષય કરી શકે છે માટે જ તેનો જન્મ વખણાયો છે.
* મોટાભાઈ પાસે જીદ્દ કરીને કંડરીકે દીક્ષા લીધી. એક હજાર વર્ષ સુધી પાળી, પણ છેલ્લે રસનાની આસક્તિએ તેમને પકડ્યા. અનુકૂળતા છોડવી ખૂબ જ મુશ્કેલ છે. પાલીતાણામાં અનુકૂળતા પકડી ન લે તે જોજો. અનુકૂળતાનો રાગ ખતરનાક છે. એમના એવા પરિણામ બગડ્યા કે તે સ્થાન છોડવા તૈયાર જ ન થયા. આખરે ઉત્પ્રવ્રુજિત બની રાજા બન્યા. નાનાભાઈ પુંડરીક રાજામાંથી શ્રમણ બન્યા.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૦૧