________________
કલશ-૧૧૫
૨૧ અહીંયા કહે છે – આત્માના પ્રદેશ ઉપર રહેલા પરમાણું તે કર્મરૂપી પુદ્ગલપિંડ છે. એ કર્મ આત્માથી ત્રણેકાળ નિરાળા છે. “તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ છે.” આ વાત અપેક્ષાથી છે. સમ્યગ્દષ્ટિ થયો તો મિથ્યાત્વ આસ્રવથી રહિત થઈ ગયો. કેમકે મિથ્યાત્વ સંબંધીનો આસ્રવ તે કર્મથી ભિન્ન છે – એટલે કે રહિત થયો સહિત હતો તે રહિત થયો. ભાવાસવથી સહિત હતો તે હવે રહિત થયો. મિથ્યાત્વના પરિણામથી પર્યાયમાં સહિત હતો તે હવે રહિત થયો... આવી વાતો એમાં સમજવું શું?
ચૈતન્ય સ્વરૂપ જે સ્વભાવ છે તેનો આશ્રય લેતાં, તેનું અવલંબન લ્ય અને પુણ્ય-પાપનું અવલંબન છોડી છે તો તને સમ્યગ્દર્શન થશે... અને ભાવ આસ્રવ રોકાય જશે, દ્રવ્ય આસ્રવ તો ભિન્ન છે જ. “વળી સમ્યગ્દષ્ટિ જીવ જે પ્રકારે નિરાસવ છે તે હવે કહે છે.” આ જઘન્ય ક્ષણ પછીની ગાથા છે. જ્યાં સુધી જઘન્ય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી જ્ઞાનીને પણ બંધ છે. આસવભાવને કારણે બંધ છે. પહેલાં જ્ઞાનીને બંધ રહિત બતાવ્યો, હવે બંધ સહિત બતાવે છે. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બન્ને બતાવશે.
પહેલાં તો એ બતાવ્યું કે – મિથ્યાત્વ પરિણામનો નાશ કર્યો. મિથ્યાત્વ ગયું તો સર્વથા આસ્રવ રહિત થયો એમ નથી. જ્યાં સુધી અંતરંગ ચારિત્ર ન થાય, ચારિત્ર એટલે અંતર સ્વરૂપની રમણતા. કપડાં ઉતારીને બહાર નીકળી ગયા તે ચારિત્ર નથી. આહાહા ! હજુ સમ્યગ્દર્શનની ખબર નથી અને ચારિત્ર કયાંથી આવ્યા? અંતરમાં આત્મા આનંદનો નાથ પ્રભુ છે. એ પૂર્ણાનંદની જ્યાં શુદ્ધ પરિણમન દશા સમ્યક્ થઈ અને પછીથી આનંદમાં લીન થતાં આનંદનું પ્રચુર વેદન કરવું તેનું નામ ચારિત્ર છે. અરે... આવી વાતો છે અને અત્યારે બધે ફેરફાર.... ફેરફાર થઈ ગયો. આહાહા! વિતરાગની વાણી જગતથી જુદી છે. અરે.... વીતરાગની વાણી એને મળી નથી હો! આહાહા! એકાવતારી ઇન્દ્રો ભગવાનની વાણી સાંભળવા આવતા હોય તે વાણી કેવી હશે? બાપુ! વીતરાગ આમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ થયો, આત્માનું ભાન નામ અનુભવ થયો ત્યારથી તેને મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષના આસવનો અભાવ થયો, એ અપેક્ષાએ તેને નિરાસવ કહ્યો છે.
અહીં (આ કળશમાં) કહે છે – હજુ તેને આસ્રવ છે. સમ્યગ્દષ્ટિને તો મિથ્યાત્વ અને રાગદ્વેષ રૂપ અનંતાનુબંધીના આસવનો અભાવ કહ્યો છે. હવે બીજો આસ્રવ ક્યો છે તે વાત કરે છે.