Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
૪૧ હોય છે. આ કાર્યમાં તે ઘણી વાર સફળ પણ થાય છે, પણ અંતમાં તેની શક્તિ કુંઠિત થઈ જાય છે અને તે પરાભવ પામે છે. સંસારરૂપી નાટકમાં પણ બરાબર આવું. જ થાય છે. તેમાં નાયકની જગ્યાએ આત્મા છે અને ખલનાયકની જગાએ કર્મ. કર્મનું કાર્ય આત્માને બાધા પહોંચાડવાનું છે. તેમાં તે પ્રાયઃ સફળ થાય છે. પરંતુ આત્માની શક્તિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ કર્મ નિર્બળ થતાં જાય છે અને અંતમાં તે પરાભવ પામે છે. બળવાન આત્માઓ શુભાશુભ કર્મને હર્ષ-શોક કર્યા વિના સ્વીકારી, નવાં કર્મ ન બંધાય તે રીતે ઉદયપ્રાપ્ત કર્મને અલ્પ કાળમાં ભોગવી લે છે. કર્મના ઉદય વખતે સાવધાન રહીને, તેનાથી પ્રાપ્ત સંગ-પ્રસંગમાં ચલિત ન થતાં તેને તેઓ ભોગવે છે અને ભાવકર્મને ઉદ્ભવવા દેતા નથી. નિમિત્તની સત્તાને વશ થતા ન હોવાથી તે વીર્યવાન આત્માઓ અલ્પ કાળમાં સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે. તેમના પુરુષાર્થથી સર્વ કર્મ વીખરાઈ જતાં તેઓ પરમ સિદ્ધિને વરે છે. સર્વ કર્મોનો આવો આત્યંતિક ઉચ્છેદ તે મોક્ષ છે. કર્મોનો સમૂળ ઉચ્છેદ થવો, કર્મોથી સંપૂર્ણતઃ છુટકારો થવો તે મોક્ષ છે. આ મોક્ષપદનું નિરૂપણ કરતાં શ્રીમદ્ છ પદના પત્રમાં લખે છે –
જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.”
અનુપચરિત વ્યવહારનયથી જીવને કર્મનું કર્તાપણું છે અને કોઈ પણ ક્રિયા અફળ હોય નહીં એ ન્યાયથી કર્તાપણું હોવાથી ભોક્તાપણું છે; અને એ જ ન્યાયથી કર્મનું ટળવાપણું પણ છે. કર્મનું કર્તા-ભોક્તાપણું જ્યારે સર્વથા ટળી જાય છે ત્યારે સર્વ પ્રકારની કર્મમલિનતાથી રહિત થવાય છે અને શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર એવા શુદ્ધ નિશ્ચયનયથી જીવ ક્યારે પણ બંધ-મોક્ષને કરતો નથી. શુદ્ધ નિશ્ચયનયના વિષયમાં બંધ-મોક્ષની કલ્પના નથી, પરંતુ અશુદ્ધ નિશ્ચયનયથી જીવ ભાવબંધને તેમજ ભાવમોક્ષને કરે છે. અનુપચરિત વ્યવહારનયથી આ જીવ દ્રવ્યબંધને તેમજ દ્રવ્યમોક્ષને કરે છે. જીવને થતો દ્રવ્યકર્મબંધ એ અનુપચરિત વ્યવહારની અપેક્ષાએ છે. દ્રવ્યકર્મ કેવળ બાહ્ય સંયોગો છે. દ્રવ્યકર્મ જીવ સાથે ક્ષીરનીરવત્ રહ્યા છે. ઊકળતા દૂધમાં લીંબુ નાંખવાથી દૂધ-પાણી છૂટાં થઈ જાય છે, તેમ આત્મા અને કર્મ વચ્ચે ભેદજ્ઞાન થતાં આત્મા અને કર્મ છૂટાં પડે છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૩૯૪-૩૯૫ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org