________________
૩૨
પ્રભાવક સ્થવિરો
પરંતુ પછીથી એમને બીજા સ્થળે વધારે સારું ચાતુર્માસ થાય એવી વિનંતી થઈ એટલે એમણે ઘોઘાના ગૃહસ્થોને ના પાડી. એ વાત આત્મારામજી મહારાજ પાસે આવી. એમણે હર્ષવિજયજીને કહ્યું કે, “તમે વચન આપ્યું છે એટલે હવે તમારે ઘોઘા જ ચોમાસું કરવું જોઈશે.' વળી એમણે હર્ષવિજયજીને કહ્યું, “વચન આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. પણ વચન આપ્યા પછી તેનું પાલન કરવું જ જોઈએ. તમારા શબ્દોની જો તમે જ કિંમત નહિ કરો, તો પછી તમારા શબ્દોની કોઈ જ કિંમત નહિ કરે.” એમની આજ્ઞાનુસાર હર્ષવિજયજીએ એ ચાતુર્માસ ઘોઘામાં જ કર્યું.
આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, “ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવું જોઈએ.” આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુક્ત દલીલ સાથે એ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. - ઈ. સ. ૧૮૯૩માં અમેરિકાના ચિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ ધરાવતા થયા હતા. પરંતુ જેન સાધુઓ સમુદ્ર પર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બૅરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યા. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org