________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૧ પૂજાની ક્રિયામાં જે બાહ્ય આચરણાની ખામી છે, તે ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણારૂપ છે, તેથી તેનાથી કર્મબંધ થવો જોઈએ; આમ છતાં ભગવાનની ભક્તિની તન્મયતારૂપ પરિણામ તે વિધિની ખામીથી થતા કર્મબંધમાં પ્રતિબંધક બને છે, તેથી ત્યાં લેશ પણ કર્મબંધ થતો નથી.
આમ છતાં જે જીવ પરિપૂર્ણ વિધિશુદ્ધ પૂજા કરે છે, તેની અપેક્ષાએ વિધિની ખામીવાળી પૂજાથી મોક્ષની પ્રાપ્તિ વિલંબથી થાય છે. તેનું કારણ એ છે કે વિધિશુદ્ધ પૂજા કરનારને વિશિષ્ટ નિર્જરા થાય છે, તેની અપેક્ષાએ વિધિની ખામીવાળી પૂજાથી કાંઈક ઓછી નિર્જરા થાય છે, તેથી તે અતિ પરંપરાથી મોક્ષનું કારણ બને છે.
અહીં અતિ પરંપરાથી મોક્ષનું કારણ બને છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, વર્તમાનકાળનું સંયમ સાક્ષાત્ મોક્ષનું કારણ નથી પરંતુ પરંપરાએ મોક્ષનું કારણ છે, કેમ કે વર્તમાનકાળમાં પ્રથમ સંઘયણ નહિ હોવાથી સાક્ષાત્ મોક્ષનું કારણ બને તેવું ઉત્કટ સંયમ પ્રાપ્ત થતું નથી, પરંતુ થોડા ભવોના વ્યવધાનથી= પરંપરાથી, મોક્ષનું કારણ બને છે. અને વિધિશુદ્ધ પૂજા કરનાર શ્રાવક ભગવાનની ભક્તિમાં તન્મય હોવાથી નિર્જરા કરે છે, તોપણ સંયમી જેવી વિશેષ નિર્જરા કરી શકતો નથી, તેથી પરંપરાએ સંયમીને જે રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેનાથી અધિક વ્યવધાનથી=પરંપરાથી, વિધિશુદ્ધ પૂજા કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને બાહ્યવિધિમાં ખામીવાળાની પૂજામાં ભગવાનની ભક્તિમાં તન્મયતા હોવા છતાં ભગવાનની આજ્ઞાનુસાર વિધિમાં યત્ન નહિ હોવાને કારણે વિધિશુદ્ધ પૂજા કરનાર કરતાં ભગવાનની ભક્તિમાં કાંઈક ન્યૂનતા આવે છે. તેથી વિધિશુદ્ધ પૂજા કરતાં ત્યાં અલ્પ નિર્જરા થાય છે, માટે વિધિશુદ્ધ પૂજા કરનાર કરતાં પણ અધિક ભવોના વ્યવધાનથી તે પૂજા મોક્ષનું કારણ બને છે. આ બતાવવા માટે અવિધિયુક્ત પણ ક્રિયા અતિ પરંપરાથી ભક્તિ દ્વારા જ મોક્ષને આપનારી છે, એમ કહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, વર્તમાનનું સંયમ પરંપરાએ મોક્ષનું કારણ છે, તેના કરતાં વધુ વ્યવધાનથી=પરંપરાથી, વિધિશુદ્ધ પૂજા મોક્ષનું કારણ છે અને તેના કરતાં પણ ભક્તિમાં તન્મયતાવાળી અવિધિયુક્ત પૂજા વધારે વ્યવધાનથી=વધારે પરંપરાથી, મોક્ષનું કારણ છે, માટે તેને અતિવ્યવધાનથી મોક્ષનું કારણ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, કોઈપણ પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞાનુસાર સુદઢ યત્ન હોય તો નિર્જરા થાય છે અને ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ હોય તો તેનાથી કર્મબંધ થાય છે. અહીં બાહ્યવિધિમાં ત્રુટિવાળા દ્રવ્યસ્તવમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ છે, આથી જ બાહ્ય આચરણામાં કાંઈક ખામી રહે છે. આમ છતાં તે વખતે જ ભગવાનની ભક્તિના પરિણામનું પ્રાબલ્ય છે, તેથી તે વિપરીત આચરણાથી પણ કર્મબંધ થતો નથી. ફક્ત જે જીવ ભગવાનના વચનાનુસાર વિધિપૂર્વક પૂજા કરે છે, તેની પૂજામાં જેવી ભક્તિની પ્રબળતા છે, તેવી ભક્તિની પ્રબળતા વિધિની ખામીવાળી પૂજામાં નથી. આથી જ બાહ્ય રીતે તેની પૂજામાં ત્રુટિ છે, માટે વિધિશુદ્ધ પૂજામાં જે પ્રકારનો પુણ્યબંધ કે નિર્જરા થાય છે, તેવો પુણ્યબંધ કે નિર્જરા વિધિની ખામીવાળી પૂજાથી થતો નથી.