________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૦૦
૨૫૯ ચિત્તને ઉપરંજિત કરે છે તે પૂજાકાળવર્તી ભાવસ્તવરૂપ છે, અને તે અલ્પ પ્રમાણમાં છે; અને દ્રવ્યસ્તવથી બંધાયેલા પુણ્યના ફળરૂપ સંયમની પ્રાપ્તિ થાય છે, તેથી દ્રવ્યસ્તવના ફળરૂપ ભાવસ્તવ છે, જે ભાવિમાં પ્રાપ્ત થનાર છે. માટે દ્રવ્યસ્તવ ભાવસ્તવ સાથે અનુવિદ્ધ=જોડાયેલું છે; કેમ કે પૂજાકાળમાં દ્રવ્યસ્તવની ક્રિયાથી તેના અનંતર ફળરૂપે ઉત્તમ ભાવો થાય છે, અને વર્તમાનમાં સેવન કરાયેલા દ્રવ્યસ્તવના પરંપરા ફળરૂપ સંયમની પ્રાપ્તિરૂપ ભાવસ્તવ પ્રગટે છે. તેથી દ્રવ્યસ્તવ અનંતર અને પરંપર કારણ છે અને ભાવસ્તવ કાર્ય છે. એ રીતે દ્રવ્યસ્તવ પ્રધાન અને ભાવસ્તવ ગૌણરૂપે અનુવિદ્ધ છે અને આવો પ્રધાનગૌણભાવરૂપ દ્રવ્યસ્તવ-ભાવસ્તવ શ્રાવકમાં હોય છે.
કોઈપણ અનુષ્ઠાનનું સેવન કરણ, કરાવણ અને અનુમોદનથી થાય છે, એ રીતે સાધુને દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરણરૂપે નહિ હોવા છતાં અનુમોદનરૂપે છે, જ્યારે સાક્ષાત્ કરણરૂપે ભાવસ્તવ છે. માટે સાધુને દ્રવ્યસ્તવ અનુમોદનરૂપ હોવાથી ગૌણરૂપે છે અને ભાવસ્તવ સાક્ષાત્ કરણરૂપ હોવાથી મુખ્યરૂપે છે, માટે સાધુમાં ગૌણભાવથી દ્રવ્યસ્તવ અને મુખ્યભાવથી ભાવસ્તવ છે અને સાધુને મુખ્યરૂપે ભાવસ્તવ હોવા છતાં તે ઉત્તમ ભાવના અંગરૂપે દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે, પરંતુ દ્રવ્યસ્તવનું સેવન કરતા નથી; કેમ કે સાધુને પ્રધાનરૂપે ભાવસ્તવ છે. આથી જ કહ્યું કે, ગૌણપ્રધાનભાવથી અન્યતરના સંબંધથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર વ્યાપ્ત છે.
વળી સાધુઓ ભગવાનની આજ્ઞાપાલનરૂપ ભાવસ્તવને પ્રધાનરૂપે કરે છે, તોપણ ગૃહસ્થને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે. એ રીતે પણ અનુમોદનારૂપે ભાવસ્તવ સાથે દ્રવ્યસ્તવ અનુવિદ્ધ છે, તેથી સાધુમાં પ્રધાનરૂપે ભાવસ્તવ અને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે.
વળી, સાધુઓ ચૈત્યવંદનમાં વંદન-પૂજનના ફળને પણ ઇચ્છે છે. તેથી વંદન-પૂજનના ફળના અભિલાષરૂપે પણ અર્થથી સાધુની પ્રવૃત્તિમાં દ્રવ્યસ્તવ અનુવિદ્ધ બને છે; કેમ કે દ્રવ્યસ્તવના ફળની અભિલાષા દ્રવ્યસ્તવ સાથે સંલગ્ન છે અને દ્રવ્યસ્તવના ફળની અભિલાષા સાધુ કાયોત્સર્ગથી કરે છે અને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંને અરિહંતની ભક્તિવિષયક છે.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ તો ભગવાનની પૂજારૂપ છે અને ભાવસ્તવ ચૈત્યવંદનાદિરૂપ લઈએ તો ભગવાનવિષયક છે, તેમ કહી શકાય, પરંતુ સંયમના પાલનરૂપ ભાવસ્તવ લઈએ તો તે કઈ રીતે ભગવાનની સ્તુતિરૂપ બને ? તેથી કહે છે –
ભગવાને ચાર પ્રકારની પૂજા કહી છે – (૧) પુષ્પપૂજા, (૨) આમિષપૂજા, (૩) સ્તુતિપૂજા અને (૪) પ્રતિપત્તિપૂજા. આ ચાર પૂજામાં ઉત્તર ઉત્તરની પૂજા પ્રધાન છે. તેથી એમ પ્રાપ્ત થાય છે, (૧) ભગવાનની પુષ્પથી પૂજા કરવી એ ભગવાનવિષયક ભક્તિરૂપ છે, (૨) ભગવાન પાસે ફળ-નૈવેદ્ય મૂકવાની ક્રિયા પણ ભગવાનની ભક્તિરૂપ છે,