________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા / ગાથા-૧૯૧
૩૮૭ વેદમાં કહ્યું છે કે, હિંસા કરવી જોઈએ નહિ, અને વળી વેદમાં અન્યત્ર કહ્યું છે કે, “સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ.” તેથી એ પ્રાપ્ત થાય કે, સામાન્યથી હિંસાનો નિષેધ કરીને સ્વર્ગકામનારૂપ ફળના ઉદ્દેશથી યજ્ઞ કરવાનું કથન વેદ કરે છે.
હવે જો વેદને પ્રમાણરૂપે સ્વીકારીએ અને વેદના વચનની પ્રેરણાથી કોઈ વ્યક્તિ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે, અને તે યજ્ઞથી સ્વરૂપ ફળની સિદ્ધિ થાય છે, તેમ સ્વીકારીએ, તોપણ હિંસાના નિષેધ કરનારા વચન પ્રમાણે હિંસાનું ફળ પણ પ્રાપ્ત થાય. તે જ વાત દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ વૈદ્યક શાસ્ત્રમાં શરીરને દાહ કરવાનો નિષેધ છે; કેમ કે શરીરને ડામ આપવાથી પીડા થાય છે. આમ છતાં કોઈને ગંડાદિ વ્યાધિ થયો હોય તો તેના નાશ માટે વૈદકશાસ્ત્રમાં જ ડામ આપવાની પણ વિધિ છે. તેથી તે વૈદ્યના વચન પ્રમાણે ડામ આપવાની ક્રિયા કરવામાં આવે તો ગંડાદિ વ્યાધિના ક્ષયરૂપ ફળ મળે તોપણ, ડામ આપવાનો નિષેધ કરનાર વચન પ્રમાણે ડામની પીડા પણ થાય છે; કેમ કે ભિન્ન ઉદ્દેશથી ડામ આપવાનો નિષેધ હતો અર્થાત્ ડામની પીડાના પરિવાર માટે ડામ આપવાનો નિષેધ હતો, અને ભિન્ન ઉદ્દેશથી ડામ આપવાનો વિધિ છે અર્થાત્ ગંડક્ષયના ઉદ્દેશથી ડામ આપવાની વિધિ છે. તેથી ગંડક્ષયના ઉદ્દેશથી ડામ આપવામાં આવે તો ગંડક્ષય થવા છતાં ડામની પીડા થાય છે.
તે જ રીતે – મોક્ષના ઉદ્દેશથી વેદમાં હિંસાનો નિષેધ છે અને સ્વર્ગના ઉદ્દેશથી યજ્ઞાર્થક હિંસા કરવાનો વિધિ છે, માટે સ્વર્ગના ઉદ્દેશથી યજ્ઞ કરવામાં આવે અને વેદના વચન પ્રમાણે સ્વર્ગ મળતું હોય તોપણ મોક્ષના ઉદ્દેશથી જે હિંસાનો નિષેધ છે, તે હિંસા કરવાનું અનર્થ રૂપ પણ ફળ યાગની હિંસામાં મળે છે. માટે વેદના વચનને પ્રમાણરૂપે સ્વીકારીએ તોપણ વેદના વચનથી થતી હિંસા દોષરૂપ જ છે.
આનાથી એ બતાવવું છે કે, દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી અને વેદને પ્રમાણરૂપે સ્વીકારીએ તોપણ યજ્ઞમાં થતી હિંસા દોષરૂપ જ છે. માટે દ્રવ્યસ્તવને કહેનારા ભગવાનના વચનના બળથી યજ્ઞમાં થતી હિંસામાં દોષ નથી તેમ કહ્યું, તે ભગવાનના વચનને અસ્થાને સ્થાપન કરવા બરાબર છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવમાં પણ હિંસા છે અને વેદવચન પ્રમાણે કરાતા યજ્ઞમાં પણ હિંસા છે, તો દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં દોષ નથી, તેનું તાત્પર્ય શું છે ? તેનું સમાધાન આ પ્રમાણે છે –
જે ઉદ્દેશથી ભગવાને હિંસાનો નિષેધ કર્યો છે, તે ઉદ્દેશથી જ ભગવાને દ્રવ્યસ્તવ કરવાનો કહ્યો છે અર્થાત્ વિધિ-નિષેધનો ઉદ્દેશ એક જ છે. અને જે ઉદ્દેશથી વેદમાં હિંસાનો નિષેધ કરેલ છે, તે ઉદ્દેશથી યજ્ઞ કરવાનું વેદમાં કહેલ નથી, પરંતુ અન્ય ઉદ્દેશથી કહેલ છે અર્થાત્ વિધિ-નિષેધના ઉદ્દેશ જુદા છે. તેથી જ જેમ અન્ય ઉદ્દેશથી દાહનો નિષેધ છે અને અન્ય ઉદ્દેશથી દાહની વિધિ છે, માટે દાહ કરવાથી દાહના ઉદ્દેશનું ફળ મળતું હોય તોપણ, જે ઉદ્દેશથી દાહનો નિષેધ છે, છતાં દાહ કરવામાં આવે તો નિષેધના સેવનથી થતી પીડારૂપ ફળ પણ મળે છે. તેમ વેદવચનમાં હિંસાનો નિષેધ છે, આમ છતાં હિંસા સેવવામાં આવે તો હિંસાકૃત અનર્થની પ્રાપ્તિ થાય જ છે.
જ્યારે સર્વજ્ઞના વચન પ્રમાણે હિંસાનો નિષેધ તો રાગાદિના ઉચ્છેદ માટે છે અને જે ગૃહસ્થ સંપૂર્ણ