________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૭૭-૧૭૮ આશય એ છે કે, લૌકિક વચનોના અર્થના સંકેતનો જેને બોધ હોય તેને જ લૌકિક વચનોથી અર્થબોધ થાય છે, પરંતુ સાંભળવામાત્રથી લૌકિક વચનોથી અર્થનો બોધ થતો નથી, જ્યારે વેદવચનોને સાંભળવામાત્રથી અર્થનો બોધ થાય છે. તેમ મીમાંસકની વાત સ્વીકારીએ તો લૌકિક વચનોમાં જે પ્રકારનો અર્થબોધ ક૨વાને અનુકૂળ સંકેત છે, તેના કરતાં વેદવચનોમાં જુદા પ્રકારનો સંકેત માનવો પડે; કેમ કે વેદવચનોથી બોધ ક૨વા માટે સંકેતનું જ્ઞાન આવશ્યક નથી, પરંતુ વેદવચનો સ્વાર્થ-પ્રકાશન-૫૨ છે, તેથી સાંભળવામાત્રથી જ વેદવચનો દ્વારા બોધ થાય છે, તેમ પૂર્વપક્ષી કહે છે. માટે વેદવચનોમાં કોઈક જુદા પ્રકારનો સંકેત હોવો જોઈએ, પરંતુ તેવો સંકેતભેદ લૌકિક વચનો કરતાં વેદવચનોમાં દેખાતો નથી, માટે સ્વભાવથી જ વેદવચનો પોતાના અર્થનું પ્રકાશન કરે છે, તેમ કહી શકાય નહિ.
399
વળી, સંકેતભેદ નહિ હોવા છતાં સ્વભાવથી જ મીમાંસકની વાત સ્વીકારીને વેદવચનોને અર્થપ્રકાશનમાં સમર્થ સ્વીકારી લઈએ તોપણ ચંદ્રના પ્રકાશમાં દીવો અવિદ્યમાન એવા રક્તપણાને પ્રકાશન કરે છે, તેમ વેદવચનનોથી પણ કોઈક સ્થાનમાં મિથ્યાજ્ઞાનની આપત્તિ છે.
આશય એ છે કે, જેમ પ્રદીપ સ્વભાવથી પ્રકાશન કરે છે. આમ છતાં તેનાથી કોઈક ઠેકાણે મિથ્યાજ્ઞાન પણ થાય છે, તેમ વેદવચનો પણ સ્વભાવથી પ્રકાશન કરે છે, તેમ માનીએ તોપણ વેદના વચનથી કોઈક સ્થાનમાં મિથ્યાજ્ઞાન થવાની આપત્તિ આવે. માટે વેદવચન આત્મહિતાર્થી જીવોની પ્રવૃત્તિના નિયામક છે, તેમ સ્વીકારી શકાય નહિ. II૧૭૭
અવતરણિકા :
तदाह
અવતરણિકાર્ય :
તેને કહે છે=પ્રદીપ સ્વભાવથી જ અર્થનું પ્રકાશન કરે છે, તેથી કોઈક ઠેકાણે મિથ્યાપ્રકાશન પણ કરે છે, તેની જેમ જો વેદવચનો સ્વભાવથી જ અર્થપ્રકાશન કરતાં હોય તો કોઈક ઠેકાણે મિથ્યાપ્રકાશનની આપત્તિ આવે તેને કહે છે
ગાથા:
ગાથાર્થ:
-
"इंदीवरम्मि दीवो पगासइ रत्तयं असंतंपि ।
चंदो वि पीयवत्थं धवलंति ण णिच्छओ ततो” ।।१७८ ।।
ઈંદીવરમાં=કમળમાં, દીપ અવિધમાન પણ રક્તપણાને પ્રકાશન કરે છે અને ચંદ્ર પણ પીતવસ્ત્રને ધોળું છે, એ પ્રમાણે પ્રકાશન કરે છે, (માટે) તેનાથી=વ્યભિચારી વેદવચનથી, નિશ્ચય થઈ શકતો નથી. ૧૭૮