________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-કર
અહીં પૂર્વપક્ષી કહે કે, અનશન-લોચાદિમાં શુભ અધ્યવસાય હોવાથી પોતાને તેમાં પીડા થવા છતાં એ ક્રિયા અનુબંધથી હિંસારૂપ નથી. તેથી કહે છે –
અનુવાતો ... ગાદિતમેવ ! વળી અનુબંધથી અહિંસાપણું અનશન-લોચાદિ અને જિનપૂજાદિમાં તુલ્ય છે, એ પ્રકારે વારંવાર કહેવાયેલું જ છે. ભાવાર્થ :
આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના સૂત્ર-૧૧ની ટીકામાં જાતિ-મરણ-મોચન માટે એ શબ્દોથી કુમાર્ગથી ઉપદિષ્ટ જ પ્રવૃત્તિઓનું આશ્રવ તરીકે વર્ણન કરેલ છે, પરંતુ જિનપૂજાદિનું નહિ; એથી કરીને સૂત્રની આશાતના કરવાનું આવું તારું દુર્બસન કેમ છે ? એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે.
અહીં પ્રશ્ન થાય કે, આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે, જાતિ અને મરણથી મુકાવવા માટે, અને તેનો અર્થ કર્યો કે મોક્ષ માટે અજ્ઞાનથી આવૃત ચિત્તવાળા પંચાગ્નિ તપ કરે છે અને જીવોની હિંસા કરે છે, તો તેના જેવી જ મોક્ષને માટે જીવહિંસારૂપ ભગવાનની પૂજા છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? કેમ કે ત્યાં પણ અજ્ઞાનને કારણે જ મોક્ષને માટે પંચાગ્નિ તપ કરે છે, તેમ તત્ત્વને નહિ જાણનારાઓ મોક્ષને માટે ભગવાનની ભક્તિ અર્થે આરંભ-સમારંભ કરે છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે – - જો ભગવાનની પૂજાને પણ આરંભ-સમારંભરૂપે સ્વીકારીએ તો મોક્ષને માટે અનશન કે લોચાદિ કષ્ટો છે, તેને પણ હિંસારૂપે સ્વીકારવાં પડે; કેમ કે અનશન કરવું કે લોચાદિ કરવા એ પોતાને દુઃખ આપવાની ક્રિયારૂપ છે, તેથી અનશન કે લોચાદિને હિંસારૂપે માનવાં પડે.
અહીં પૂર્વપક્ષી કહે કે, અનશન કે લોચાદિમાં શુભ અધ્યવસાય છે, માટે પોતાને તેમાં પીડા હોવા છતાં એ ક્રિયા અનુબંધથી હિંસારૂપ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એ જ રીતે ભગવાનની પૂજામાં પુષ્પાદિને કિલામણા હોવા છતાં ભગવાનની ભક્તિનો શુભ અધ્યવસાય હોવાથી જિનપૂજાદિ પણ અનુબંધથી હિંસારૂપ નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, તો પંચાગ્નિ તપને પણ તેનો સ્વીકારીએ તો શું વાંધો છે ?
આશય એ છે કે, મુક્તિ માટે કરાતા પંચાગ્નિ તપમાં ભગવાનની ભક્તિનો કોઈ શુભાશય નથી, પરંતુ અજ્ઞાનને કારણે પોતાને કષ્ટ આપવાની ક્રિયા દ્વારા મોક્ષનો આશય છે. એ મોક્ષનો આશય શુભ હોવા છતાં બિનપ્રયોજન અન્ય જીવોની હિંસા થાય તેવા પ્રકારની અનુચિત ક્રિયા પંચાગ્નિ તપમાં છે, માટે અવિવેકપૂર્વક હોવાથી મોક્ષના આશયપૂર્વક પણ કરાયેલ પંચાગ્નિ તપ અહિંસાના અનુબંધવાળો નથી; જ્યારે ભગવાનની પૂજા કે લોચાદિ કષ્ટો વિવેકથી સંવલિત યુક્ત, હોવાને કારણે અનુબંધથી અહિંસારૂપ છે; કેમ કે વીતરાગ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તેવી પૂજાની ક્રિયા છે અને સમભાવની વૃદ્ધિ થાય તેવી લોચાદિની ક્રિયા છે માટે અનુબંધથી અહિંસારૂપ છે જ્યારે પંચાગ્નિ તપમાં તેવો કોઈ વિવેક નથી માટે હિંસારૂપ છે.