________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૭૬ થી ૮૦
૨૩૫
આશય એ છે કે, ભગવાનના વચનાનુસાર સુદઢ યત્ન કરવાથી જે ગુણો પ્રાપ્ત થાય છે, તે ગુણો લેશ પણ કર્મબંધનું કારણ બનતા નથી, પરંતુ અવશ્ય કર્મનો ઉચ્છેદ કરાવીને મોક્ષમાં પહોંચાડે છે. અને કદાચ સાધના પૂર્ણ થઈ ન હોય, તો તે ગુણોથી બંધાતું આનુષંગિક પુણ્ય પણ સાધનામાં ક્યાંય બાધક થાય તેવું પ્રાપ્ત થતું નથી. માટે ભગવાનની આજ્ઞાપાલનના ગુણો લેશ પણ દોષથી કલંકિત નથી, અને આજ્ઞાની વિરાધના સંસારની વિડંબનાનું પ્રબળ કારણ છે, આવું જે સાધુ જાણે છે, તે સાધુ જ આજ્ઞામાં સુદઢ યત્ન કરી શકે છે, અને આજ્ઞાની વિરાધનાના દોષોથી દૂર રહી શકે છે, અને આથી જ મોક્ષાર્થી એવો સાધુ વિશુદ્ધ એવા ભાવથી આ શીલાંગોને પાળે છે. આમ કહીને એ કહેવું છે કે, બાહ્ય આચરણા તો શરીરની શક્તિના અભાવને કારણે કે તથાવિધ સંયોગને કારણે વિપરીત પણ હોઈ શકે, પરંતુ ચિત્તની પરિણતિ તો ભગવાનની આજ્ઞામાં જ બદ્ધ હોવાને કારણે ભાવથી શીલાંગનું અવશ્ય પાલન મોક્ષાર્થી સાધુ કરે છે.
વળી તે સાધુ કેવો છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
પોતાની શક્તિને અનુરૂપ શાસ્ત્રમાં વિહિત એવાં જે સંયમનાં અનુષ્ઠાનો છે, તેને કરવામાં તત્પર છે, અને જે અનુષ્ઠાન કરવાની પોતાની શક્તિ નથી, ત્યાં બાહ્ય યત્ન કરતો નથી, પરંતુ ભાવથી તે અનુષ્ઠાનમાં પણ ચિત્ત અત્યંત પ્રતિબંધવાળું હોવાને કારણે તે અનુષ્ઠાનકૃત નિર્જરાના ફળને પામે છે.
આશય એ છે કે, શક્તિને ગોપવ્યા વગર પોતાનાથી શક્ય અનુષ્ઠાનમાં સાધુ યત્ન કરે છે. આમ છતાં, તદ્દન અસંગ પરિણતિના કારણ એવા ધ્યાનાદિમાં પોતાની શક્તિ નહિ હોવાથી ત્યાં સાક્ષાત્ યત્ન કરતો નથી, તોપણ ચિત્ત તે ભાવ તરફ જવા માટે અત્યંત લાલસાવાળું છે; કેમ કે તે સાધુ જાણે છે કે, “મોક્ષની પ્રાપ્તિ તો અસંગભાવથી જ થવાની છે અને અસંગભાવ ધ્યાનમાં કરાતા સુદઢ યત્નથી જ આવે તેમ છે. આમ છતાં, જ્યાં સુધી તેવા પ્રકારના શાસ્ત્રાધ્યયન દ્વારા મારામાં શક્તિ ન પ્રગટે ત્યાં સુધી મારી ભૂમિકાને ઉચિત અનુષ્ઠાનમાં મારે યત્ન કરવો જોઈએ, અને જ્યારે શક્તિનો સંચય થશે ત્યારે હું પણ અવશ્ય ધ્યાનાદિમાં યત્ન કરીશ.” તે પ્રકારના ચિત્તના પ્રતિબંધપૂર્વક વિહિત અનુષ્ઠાનમાં સાધુ યત્ન કરે છે.
વળી, વિહિત અનુષ્ઠાનથી અન્યત્ર ક્યાંય ઉપયોગ નહિ હોવાને કારણે ઉપર ઉપરના અનુષ્ઠાનને કરવાની જે પોતાની શક્તિ નથી, તે અશક્તિને અભ્યાસના બળથી ઘટાડે છે અને ઉપર ઉપરના સંયમસ્થાનમાં જવામાં પ્રતિબંધક કર્યદોષોને ખપાવે છે.
આશય એ છે કે, સુદઢ યત્નપૂર્વક સાધુ વિહિત અનુષ્ઠાનમાં યત્ન કરતો હોવાથી સાધુમાં અસંગભાવને અનુકૂળ શક્તિનો સંચય થતો જાય છે, અને અત્યાર સુધી જે ઉપર ઉપરની ભૂમિકામાં જવાની પોતાની શક્તિ ન હતી, તે પ્રગટ થતી જાય છે. તેથી સંયમયોગમાં સુદઢ યત્ન હોવાથી ઉપરની ભૂમિકામાં જવા માટેનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે અને ઉપર ઉપરની ભૂમિકાને સાધુ પ્રાપ્ત કરે છે અને આવો સાધુ જ દુષ્કર એવાં શીલાંગોને વહન કરી શકે છે.
વળી, તે સાધુ કેવો છે તે વિશેષરૂપે બતાવે છે – સર્વત્ર વસ્તુમાં નિરભિળંગ છે અને ભગવાનની આજ્ઞામાત્રમાં આરાધના કરવાની એકનિષ્ઠાવાળો છે.