________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ ભવાભિનંદી જીવોને મોહના કારણે પ્રાણાતિપાત, જૂઠ, ચોરી, વિષયસેવન, આરંભાદિ કુકૃત્ય એ કૃત્ય લાગે છે અને અહિંસા, સત્ય, અચોર્ય વગેરે કાર્યો તેને અકૃત્ય લાગે છે. અને ખણજને ખણનારા તેમજ કૃમિથી પીડાતા અગ્નિનું સેવન કરનારા કોઢિયાની જેમ આરંભાદિ કાર્યોમાં સુખની બુદ્ધિથી આકર્ષિત થયેલા હોય છે.
જેમ ખસના રોગથી પીડાતા જીવોને ખણવાના કાલમાં બળતરાદિનું તેમજ ખણવાના આવેશનું દુઃખ હોય છે. છતાં સુખ માની તેમાં પ્રવર્તે છે અને કોઢિયાઓ કૃમિને કાઢવા અગ્નિનું સેવન કરે છે તે વખતે ચામડી બળે છે અને કૃમિ બધા અંદર લપાઈ જાય છે અને તેથી અગ્નિનું સેવન કરવા છતાં દુ:ખ વૃદ્ધિ પામે છે તેમ સંસારમાં મિથ્યાત્વકાલમાં વર્તતા જીવો ભોગની ચળને શમાવવા દુ:ખમય એવા ભોગોમાં પ્રવૃત્તિ કરે છે તે વખતે ભોગમાં વૃદ્ધિ તો થતી નથી પણ અનેક પ્રકારની અતૃપ્તિઓ વધતી જાય છે. આને કારણે જેમ જેમ ભોગમાં પ્રવૃત્ત થાય છે. તેમ તેમ દુ:ખ વધે છે આને જ દૃષ્ટાંતથી કહે છે.
यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने। भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छापरिक्षये ॥८१ ॥
જેમ ખસના દર્દીઓની બુદ્ધિ ખણવામાં હોય છે પણ ખસરોગને મટાડવામાં નથી હોતી તેમ ભવાભિનંદી જીવોની મતિ ભોગના સાધનોમાં હોય છે પણ ભોગની ઇરછાના ક્ષયમાં નથી હોતી.
અજ્ઞાની જીવો પાસે વાસ્તવિક સુખનો માર્ગ - તત્ત્વજ્ઞાન - ન હોવાથી વયનો પરિપાક થવા છતાં પણ, ઉંમર વીતી જવા છતાં પણ, શરીરની શક્તિ ક્ષીણ થવા છતાં પણ, માનસિક અતૃપ્તિઓ અને ભોગની ઇચ્છાઓને કારણે વાજીકરણમાં (ઔષધ પ્રયોગ કે જેના દ્વારા ભોગને ભોગવવાની શક્તિ પેદા થાય તેમાં,) તેઓ પ્રવૃત્તિ કરે છે. ઉંમરના કારણે અંદરથી ભોગ ભોગવવાની ઇચ્છા થવા છતાં ભોગવી શકતા નથી તેને વાજીકરણના પ્રયોગ દ્વારા પેદા કરે છે. ભોગની ઇચ્છાનો ક્ષય. નથી થતો તેના ઉપલક્ષણથી ભોગ ભોગવવાની ક્રિયાનો પણ ક્ષય થતો નથી. સંસારના સુખને ખણજની ઉપમા -
- ખણવાના કારણે અતિશય જેના નખો ક્ષીણ થઈ ગયા છે અને રણમાં વસવાના કારણે ઘાસ ન મળવાથી જેને ક્યારે પણ ઘાસથી ખણવાનો આનંદ પ્રાપ્ત નથી થતો એવા કોઈ ખસના દર્દીને વૈધે જોયો તે વૈધની પાસે ભિક્ષા પોટલી અને સાથે ઘાસનો પૂળો છે. દર્દીએ આ જોઈને વૈધ પાસે એક તૃણ માંગ્યું અને વૈધે તે આપ્યું. દર્દી હૃદયથી તોષ પામ્યો અને વિચારે છે કે ખરેખર આને ધન્ય છે કે જેની પાસે આટલા બધા ખણવાના સાધનો છે. તેણે વૈધને પૂછ્યું કે આટલા બધા ખણવાના સાધનો ક્યાં મળે છે ? વૈધે કહ્યું - લાટ દેશમાં. તારે આવું શું કામ છે ? દર્દી કહે ખસની જે ચળ ઉપડે છે તેને આ તૃણ વડે ઘસતાં આનંદ આવે છે. તેના આનંદ માટે આનું પ્રયોજન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org