________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૧૧
ચૈતન્યમય, જ્યોતિસ્વરૂપી, આનંદપૂર્ણ આત્મા છું. આ દેહાદિ તો મારાથી સર્વથા ભિન્ન છે. તે જડ છે અને હું ચેતન છું. ત્રણે કાળમા 'જડ તે જડ જ છે અને ચેતન તે ચેતન જ છે. એક ક્ષણ પણ ચેતનમાંથી ચૈતન્ય નીકળે કે જડમાંથી જડત્વ નીકળી જાય તો તે પછી જડ કે ચેતન ન કહેવાય. જેમ સાકરમાં મીઠાશ છે. ટકડીમાં તુરાશ છે. લીમડામાં કડવાશ છે. એ તેનો સ્વભાવ ત્રણે કાળ માટે અને પ્રત્યેક સમયે છે. અને તે રીતે જીવને અનુભવાય છે. તેમ દેહભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે તેથી તેને હવે જગતના કોઈ પદાર્થો પોતાના જણાતા નથી.
સ્વાનુભૂતિના સમયે આત્મા અંતરના ઊંડાણમાં ઉતરી જાય છે. મુખ ઉપર પારાવાર શાંતિ હોય છે. અસીમ આનંદથી આખું ય વિશ્વ જાણે નાચી રહ્યું હોય, છલકાઈ રહ્યું હોય તેમ અનુભવાય છે. આનંદસાગરની લહેરોમાં જાત પણ ભૂલાઈ જાય છે. દેહના બંધનો તૂટે છે. વિશ્વની અનંત આનંદમય ચેતના સાથે એકરૂપ બને છે આનંદ જ જીવન બને છે. લોખંડ જેમ પારસમણિના સંગે સુવર્ણ બની જાય છે તેમ અનુભવ વ્યક્તિના જીવનને પલટી નાંખે છે. પરમાત્મદર્શન એ અંતરનું સહજ સમાધાન છે. એક આનંદનો અનુભવ છે જે આખાય જીવનને મંગલમય આનંદમય બનાવી દે છે. જેના વડે જીવન કલહના બધા તાળા ખુલી જાય છે. અસીમ આનંદના સાગરમાં પોતે એક બિંદુ હોય, તેની સાથે પોતે એકરૂપ બન્યો હોય, પોતાની જાતને ભૂલી ગયો હોય તેવું અનુભવાય છે. વિશ્વચેતના સાથેની એકરૂપતા એ સ્થિર બને, એ જ જીવનને દોરે એના દોરવાયા જ દોરવાઇએ એનું નામ ઇશ્વરમય જીવન. પછી તેને મરવાનું હોતું નથી. તો શું મરે છે ? દેહ મરે છે.
આનંદ જ જેનું જીવન હોય તેને મરવાનું ક્યાંથી હોય? તે અમર થઈ જાય છે. આ અનુભવ વર્ષોની સાધના માંગે છે. સ્વામી રામદાસ લખે છે કે એક દિવસ રાતે હું ઊઠીને ચાલી નીકળ્યો. મારી ચારે બાજુએ ફેલાયેલું આખું ય વિશ્વ ઝળહળી ઉઠયું. હું તેની સાથે એકરૂપ બન્યો. તે દિવસથી આ બધી જ સૃષ્ટિની જુદાઇ રહી નથી. જગતના સર્વ જીવો, ઝાડ, પાન, પાણી, પંખી, ગાય બધા જ પોતાની ચેતનાના અંશો બની ગયા અને આ દેહ, ઇન્દ્રિયાદિ મારાથી સ્પષ્ટપણે જુદા અનુભવાવા લાગ્યા.
.
આ અનુભવ માટે સાધના છે, તે પછી જે જીવન જીવાય છે તે સહજ સમાધિરૂપ બની રહે છે. તે વિશ્વચેતનાના અંગરૂપ બની જાય છે. આ અનુભવની આગળ સમૃદ્ધિના ગંજો ઝાંખા છે. એની પરંપરા સતત ચાલે ને આખું ય વિશ્વ એ ચેતનાના અંગરૂપ બનીને જીવે એ જ માનવ જીવનનો હેતુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org